- દર્દીને સારવાર માટે લાવવામાં આવતા 3 કલાક સુધી વોર્ડમાં પણ ન લઈ જવાયો
- સમયસર સારવાર ન મળતા દર્દીનું મૃત્યુ થયુ હોવાનો પરિવારનો આક્ષેપ
- હોસ્પિટલના RMOએ તબીબોનો બચાવ કરી ગોળગોળ જવાબ આપ્યા
મોરબી: ટંકારાના 50 વર્ષીય કોરોનાગ્રસ્ત દર્દીને શુક્રવારના રોજ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં 3 કલાક સુધી તેમને એમ્બ્યુલન્સમાંથી વોર્ડમાં પણ લઈ જવામાં આવ્યા ન હતા. તેમના પરિવારજનોના જણાવ્યા મુજબ 3 કલાકમાં સંખ્યાબંધ વખત ડોક્ટરને બોલાવવા ગયા હોવા છતાં કોઈ જોવા સુદ્ધા આવ્યું ન હતું અને ડોક્ટર દ્વારા પરિજનો સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કરવામાં આવ્યું હતું. 3 કલાક સુધી એમ્બ્યુલન્સમાં સારવારની રાહ જોઈને છેલ્લે દર્દીએ એમ્બ્યુલન્સમાં જ જીવ ગુમાવ્યો હતો.
શું હતો સમગ્ર મામલો ?
ટંકારાના રહેવાસી ચંદુભાઈ નટવરભાઈ રાઠોડનો ગત 17 એપ્રિલના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની તબિયત વધુ લથડતા શુક્રવારે 108 એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. દર્દીના સંબંધી યોગેશભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર, સાંજે 5 વાગ્યે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ તેઓ ખુદ 10 વખત ડોક્ટરને બોલાવવા ગયા હતા. તેમના સિવાય એમ્બ્યુલન્સનો સ્ટાફ પણ 4 વખત ડોક્ટરને બોલાવવા ગયો હતો. એમ્બ્યુલન્સમાં ઓક્સિજન પર રાખવામાં આવેલા ચંદુભાઈને તાત્કાલિક સારવારની જરૂરત હોઈ ડોક્ટરને આજીજી કરવા છતાં કોઈ આવ્યું ન હતું અને વારંવાર બોલાવવા જતા ડોક્ટરે 'ઉંચા અવાજે ન બોલ' તેવું કહીને ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. 3 કલાક દર્દી એમ્બ્યુલન્સમાં કણસતા રહ્યા હતા અને અંતે એમ્બ્યુલન્સમાં જ દમ તોડ્યો હતો.
દર્દીના મોત બાદ પરિવારજનો રોષે ભરાયા
દર્દીના મૃત્યુ બાદ ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલ બહાર હોબાળો મચાવ્યો હતો. જેના પગલે હોસ્પિટલના તંત્ર દ્વારા પોલીસને જોણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને રોષે ભરાયેલા દર્દીના સંબંધીઓને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.
સિવિલના આરએમઓ ડોક્ટરનો બચાવ કરતા જોવા મળ્યા
આ મામલે જેના પર આક્ષેપ કરવામાં આવ્યા છે, તે ડૉ. હર્ષ કેલા સાથે વાત કરવા જતા તેમણે કોઈ પણ જવાબ આપવાનો ઈનકાર કરી દીધો હતો. જેથી આ અંગે મોરબી સિવિલ હોસ્પિટલના RMO ડૉ. સરડવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, OPDમાં 4 દર્દીઓ વેઈટીંગમાં હતા અને ડોક્ટર ચેક કરવા પણ આવ્યા હશે. આવા બનાવો ન બને તેની તકેદારી રાખીશું તેમજ લોકોનો પણ સહકાર મળે તેવું જણાવ્યું હતું. આમ ગોળગોળ વાતો કરીને RMOએ ઘટના અંગે તપાસ કરવાની વાત તો દૂર પણ માત્ર પોતાના ડોક્ટરનો બચાવ કર્યો હતો.