વિદ્યાર્થીઓને અભ્યાસકાળથી જ પોલીસ અને આર્મીમાં જોડાવવા માટે પ્રેરણા અને ટ્રેનીંગ મળે તે માટે નેશનલ કેડેટ્સ કોર્પ (NCC) માં જોડાતા હોય છે. ત્યારે રાજકોટ ગ્રુપમાં કુલ 2350 NCC કેડેટ્સ છે અને NCC કેડેટ્સ માટે સી સર્ટીફીકેટ એક્ઝામ યોજાતી હોય છે. જેમાં તાજેતરમાં યોજાયેલ એક્ઝામમાં મોરબીની એમ. એમ. સાયન્સ કોલેજના છ વિદ્યાર્થીઓ આલ્ફા રેન્કિંગ સાથે ઉતીર્ણ થયા છે.
જેમાં ભવ્ય કાવર નામના વિદ્યાર્થીએ સમગ્ર રાજકોટ ગ્રુપમાં દ્વિતીય રેન્ક હાંસલ કર્યો છે. જેનું ભાવનગર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું તો આલ્ફા રેન્કિંગ સાથે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને એમ. એમ. સાયન્સ કોલેજ ખાતે પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કર્નલ તુષાર જોષી પણ ઉપસ્થિત રહ્યા હતા કર્નલ તુષાર જોષી અક્ષરધામ હુમલા સમયે નેશનલ સિક્યુરીટી ગાર્ડ માં જોડાયેલ હોય અને તેઓ આતંકવાદી સામે લડતા ગોળી પણ ખાધી હતી અને ઈજાગ્રસ્ત બન્યા હતા જોકે માં ભોમની રક્ષા કાજે તેમને ઈજાની પરવા ના કરીને તેમના ગ્રુપે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ત્યારે, મોરબી પધારેલા કર્નલે જણાવ્યું હતું કે, NCC વિદ્યાર્થીઓને શિસ્ત અને અનુશાસન શીખવે છે. તેમજ દેશ પ્રત્યે તેની ફરજથી પણ અવગત કરાવે છે. મોરબીના વિદ્યાર્થીઓ આલ્ફા રેન્કિંગ સાથે ઉતીર્ણ થયા છે જે ગર્વની બાબત છે