- મોરબીની ત્રાજપર ચોકડીએ નજીવી બાબતે યુવાનની હત્યા કરાઈ
- રમેશ ભરવાડ નામના શખ્સને ઝડપી લેવા પોલીસે તપાસ ચલાવી
- બાળકને હેરાન ન કરવા ઠપકો આપતા છરી વડે હુમલો, યુવાનની હત્યા
આ પણ વાંચો : પતિએ પત્નીને ચપ્પુના ઘા મારી હત્યા કર્યા બાદ પોતે કર્યો આત્મહત્યાનો પ્રયાસ
મોરબી: આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ત્રાજપર ચોકડી નજીક આવેલા એસ્સાર પેટ્રોલ પંપ નજીક રાત્રીના સમયે માથાકૂટ થઇ હતી. જે બનાવમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા બે યુવાનો પૈકી અજીત ગોરધન પરમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તો તેના મિત્ર હુશેન ફકરૂદિન હોથીને ગંભીર ઈજા થતા મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
ફરિયાદી હુશેનને ઈજા થતા રાજકોટ સારવાર અર્થે ખસેડાયો
આ બનાવ મામલે ફરિયાદી હુશેન ફકરૂદિન હોથીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ફરિયાદી અને તેના મિત્રએ અજાણ્યા શખ્સને બાળકને હેરાન ન કરવા બાબતે ઠપકો આપતા ઉશ્કેરાઈ ગયેલા અજાણ્યા શખ્સે માર મારી તીક્ષ્ણ હથિયાર વડે ફરિયાદી હુશેન હોથી અને તેના મિત્ર અજીત પરમાર પર હુમલો કરી દીધો હતો અને ઘા ઝીંકી દેતા અજીત પરમારનું ગંભીર ઈજાને પગલે મોત થયું હતું. જ્યારે ફરિયાદી હુશેનને ઈજા થતા રાજકોટ સારવાર અર્થે ખસેડાયા હતા. બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે DYSP રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, હત્યા કરવાના ગુનામાં રમેશ ભરવાડ નામના આરોપીનું નામ ખુલ્યું હોય જેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
મૃતકના પરિવારે સાંજ સુધી મૃતદેહ સ્વીકારવા કર્યો ઇનકાર
યુવાનની હત્યા બાદ પરિવારજનો રોષે ભરાયા હતા અને આરોપી ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાનું પોલીસને જણાવી દીધું હતું અને સોમવારે રાત્રીના હત્યાનો બનાવ બન્યો હોય છતાં મંગળવારે સાંજ સુધી મૃતદેહ સ્વીકાર્યો ન હતો અને સિવિલ હોસ્પીટલે પરિવારે હંગામો કર્યો હતો.
આ પણ વાંચો : સુરતના લાલગેટ પાસે આધેડની હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર