ખાનગી સ્કૂલે વિદ્યાર્થીઓની ફી કરી માફ
- વાંકાનેરમાં એક ખાનગી સ્કૂલે વિદ્યાર્થીઓની ફી કરી માફ
- કીડ્ઝ ઈંગ્લીશ સ્કુલના સંચાલકે 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓની ફી માફ કરી
- જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાની ફી કરી માફ
- કોરોના મહામારીમાં વાલીઓને થઇ મોટી રાહત
મોરબી: કોરોના મહામારીમાં હાલ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા વાલીઓ પાસે ખાનગી શાળા સંચાલકો ફીની ઉઘરાણી કરી વાલીઓને પરેશાન કરતા હોય તેવી અનેક ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેરમાં એક ખાનગી શાળાના સંચાલકે વિદ્યાર્થીઓની ફી માફીનો નિર્ણય કર્યા છે, તેમજ શાળાના શિક્ષકોને પણ સમયસર વેતન આપ્યું છે.
વાંકાનેરના જડેશ્વર રોડ પર આવેલી કીડ્ઝ ઈંગ્લીશ સ્કૂલમાં ધોરણ 1 થી 8 માં 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જોકે કોરોના મહામારીને પગલે પરિવારોની આર્થિક સ્થિતિ સારી ન હોય અને લોકડાઉન દરમિયાન ધંધા રોજગાર બંધ હતા. જેથી પરિવારોને આર્થિક બોજો સહન કરવો પડી રહ્યો છે, તો હાલમાં શાળામાં ફી ઉધરાણી કરવામાં આવતી હોય છે ત્યારે પરિવારોની આર્થીક પરિસ્થિતિ સમજીને શાળાના સંચાલક મેહુલ શાહે જૂન, જુલાઈ અને ઓગસ્ટની ફી માફ કરી હતી.
ટ્રસ્ટીએ બાળકોની ફી માફીની સાથે શિક્ષકોને પણ પગાર આપ્યો હતો, શાળાના શિક્ષિકા મુશરત બેને જણાવ્યું હતું કે હાલમાં કોરોના મહામારીના સમયમાં શાળાએ વિદ્યાર્થીઓની ફી માફ કરવાનો જે નિર્ણય લીધો છે તે ખુબ સારો નિણર્ય છે અને આ નિણર્યથી વાલીઓને આર્થિક રાહત થશે. વધુમાં કહ્યું કે સંચાલકે સ્ટાફને પણ પગાર સમયસર ચૂકવીને બધા જ લોકોનું ધ્યાન રાખ્યું છે.
લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ હોય ત્યારે નવા સત્રમાં શાળાની ફી ભરવાની પરેશાની દરેક વાલીઓમાં જોવા મળતી હતી, જોકે વાંકાનેરની શાળાએ ત્રણ માસની ફી માફીનો નિર્ણય કરીને વાલીઓને મોટી રાહત આપી છે. શુક્રવારે શાળાના સ્ટાફ અને વાલીઓને આ માહિતીથી અવગત કરવામાં આવ્યાં હતા. વાલીઓએ પણ શાળાના આ નિણર્યને લઇ શાળાનો અભાર માન્યો હતો.