મોરબીઃ જિલ્લા માંથી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જિલ્લાના હળવદમાં એક યુવક પાંચ દિવસ પહેલાં પોતાના ઘરેથી ટ્રકમાં જવાનું કહીને નીકળ્યો હતો, જેનો આજે મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરતા યુવાનની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો જેથી પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ઘરી છે.
શું હતો સમગ્ર મામલો: હળવદમાં GIDC પાછળ રહેતા મૃતક અજીત સીરોયાના ભાઈ અશોકભાઇ દેવસીભાઇ સીરોયાએ આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુભાઇ ગેલાભાઇ ભરવાડ વિરુદ્ધ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જે અનુસાર ગત ૧૫ નવેમ્બરની રાતે આશરે આઠેક વાગ્યાના અરસામાં મૃતક અજીત ઉર્ફે અજીયો દેવસીભાઇ સીરોયા અને તેના મિત્રો સંજય ચંદુભાઇ કોળી, લાલજી ઉર્ફે લાલો ધીરૂભાઇ રજપુત, હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુભાઇ ગેલાભાઇ ભરવાડ કોયબા ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે આવેલ એક વાડીમાં મચ્છી ખાવાની પાર્ટીનું આયોજન કર્યુ હતી જેમાં કોઈ કારણોસર મૃતક અજીત અને હરજી વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો.
ઝઘડામાં હત્યાઃ એ વખતે અજીત અને હરજી વચ્ચે બોલાચાલી બાદ ઝગડો થયો હતો. આ બાબતનું મનદુ:ખ રાખી આરોપી હરજીએ અજીત જ્યારે નર્મદા કેનાલના સાયફન પાસે સુતો હતો, ત્યારે અજીતના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીંને તેની હત્યા કરી નાખી હતી અને અજીતના મૃતદેહને હળવદ-ધાંગધ્રા હાઇવેથી કોયબા ગામ તરફ જતા રોડ ઉપર આવેલ નર્મદા કેનાલના વોકળામાં ફેંકી દીધી હતી. ત્યાર બાદ અજિતનો મોબાઇલ ફોન અને અને તેની મોટરસાયકલ ગુમ કરીને પુરાવાનો નાશ કર્યો હતો. હાલ તો આ મામલે હત્યાની ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.