મોરબીઃ મોરબી જિલ્લામાં કોરોના અનુસંધાને જુદા જુદા તાલુકામાં કુલ 17 ધન્વન્તરી રથ કાર્યરત કરવામાં આવ્યાં છે. મોરબી તાલુકામાં 6, માળીયા તાલુકામાં 1, વાંકાનેરમાં 5 અને ટંકારા તાલુકામાં 2 તેમજ હળવદ તાલુકામાં 3 ધન્વન્તરી રથ કાર્યરત કરવામાં આવ્યાં છે.
આ ધન્વન્તરી રથ ખાસ કરીને શહેરના જુદા જૂદા હોટસ્પોટ તેમ જ અન્ય વિસ્તારોમાં તથા દુર્ગમ વિસ્તારમાં ફરી સ્થળ પર જ જરૂરિયાત મુજબના દર્દીને તપાસ, સારવાર અને કોરોના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિને સેમ્પલ આપવા અર્થે રીફર કરવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધે તેવા આયુર્વેદિક ઉપચારથી સારવાર સહિતની કામગીરી કરી રહ્યાં છે. ધન્વન્તરી રથ દ્વારા મોરબી જિલ્લામાં તમામ તાલુકાઓ મળી કુલ ૩૨૯ તાવના કેસ, ૮૦૭ કફ અને શરદી તેમજ અન્ય દર્દીઓ સહિત કુલ ૧૦,૧૧૩ દર્દીને સારવાર આપી ચુકેલ છે અને તે પૈકીના ૫ કેસને રીફર કર્યાં છે.