મહેસાણાઃ જિલ્લાના ખેરવા ગામ નજીકથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાંથી ઉદલપુર ગામે રહેતા પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવ્યા છે. ત્યારે એક રાહદારીને કેનાલમાં કોઈ અજાણી યુવતિનો મૃતદેહ જોવા મળતા તેમણે મહેસાણા તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી, જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસે ઘટના સ્થળ પર મહેસાણા પાલિકા ફાયર ટીમની મદદ લઈ કેનાલમાં તપાસ કરતા એક મહિલા અને એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે બંનેના મૃતદેહને બહાર કાઢી કેનાલના કાંઠે પડેલા મોબાઈલ ફોન અને પાકીટને જોતા બન્ને મૃતકોની ઓળખ થઈ હતી, જે આધારે પોલીસે વિસનગર તાલુકાના ઉદલપુર ગામે રહેતા ઠાકોર વિપુલ અને સરોજ ઠાકોરના પરિવારને ઘટનાની જાણ કરી પૂછપરછ હાથ ઘરી હતી.
પોલીસની પૂછપરછમાં આત્મહત્યા કરનારા યુવક અને યુવતિ એક જ ગામમાં એક શેરીમાં રહેતા હોઈ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેને લઈ થોડાક દિવસો પહેલા બંનેને સમજાવવામાં આવ્યા હતા. જો કે, તે બન્નેના લગ્ન શક્ય ન હોઈ અંતે 3 વર્ષના દીકરાને પડતો મૂકી મહિલા પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને તેમના પ્રેમ પ્રકરણમાં બન્ને એકબીજા સાથે ભેગા થઈ આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે.
આ ઉપરાંત આત્મહત્યા કરતા પહેલા મહિલાએ તેના પતિને ફોન કરી અમે કેનાલમાં પડીએ છીએ તેવી જાણ પણ કરી હતી. જો કે, પરિવાર શોધખોળ કરી શકે તે પહેલાં જ પ્રેમી પંખીડાઓએ જીવ ગુમાવી દીધો હતો, ત્યારે સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.