- ઉત્તર ગુજરાતમાં બનશે સૌથી મોટું સ્મશાન ગૃહ
- 10 વિઘામાં ફેલાયેલું સ્મશાનગૃહ સુંઢિયા ગામે પામી રહ્યું છે નિર્માણ
- શરૂઆતમાં જ સ્મશાનગૃહ નિર્માણ માટે 40 લાખનું મળ્યું દાન
મહેસાણાઃ જિલ્લામાં કોરનાના કપરા કાળ દરમિયાન અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જેમાં મહેસાણા જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાઓમાં પણ કોરોનાને કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. જેને લઈને સ્મશાનોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાઈનો જોવા મળતી હોય છે. જેને લઈને જિલ્લામાં અનેક જગ્યાઓ પર નવા વૈકુંઠ ધામ અને નિજધામ બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના હોમ ટાઉનમાં 10 વીઘા જમીનમાં ફેલાયેલું ઉત્તર ગુજરાતનું સૌથી મોટુ સ્મશાન બનશે.
રૂપેણ નદી પાસે 10 વીઘામાં બની રહ્યું છે નિજધામ
મહેસાણા જિલ્લામાં આવેલા સુંઢિયા ખાતે નવનિર્મિત નિજધામ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં આ નિજધામ સિદ્ધપુરની જેમ સાર્વત્રિક કરવામાં આવશે. સાર્વજનિક મુક્તિધામ ટ્રસ્ટ સુંઢિયા સંચાલિત નિજધામ રૂપેણ નદીના કિનારે 10 વીઘા જમીન વિસ્તારમાં આકાર લઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ પોરબંદરના છાયામાં 20 વર્ષથી બંધ પડેલું સ્મશાન ફરી શરૂ કરાયું
શરૂઆતમાં જ સ્મશાનગૃહ નિર્માણ માટે 40 લાખનું મળ્યું દાન
સ્મશાન બનાવવા માટે ગામના આગેવાનોએ નિજધામ બનાવવા અંગે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં માત્ર 10 દિવસની અંદર ગામના તમામ જ્ઞાતિના જુદા જુદા દાતાઓએ ઉદારતા બતાવીને રૂ 40 લાખ જેટલી માતબર રકમનું દાન જાહેર કરવામાં આવ્યું હતું. નિજધામ માટે દાન એકત્રિત કરવા માટે ગામના આગેવાનોએ કોઈ મિટિંગ કરી નથી છતાં ગામના દાતાઓએ સ્વૈચ્છિક દાન આપવા માટે જાહેરાત કરી હતી. નવનિર્મિત સ્મશાનમાં સંચાલકએ કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર મૃતદેહને અગ્નિસંસ્કાર માટે આવનારા પરિવારને માત્ર 1 રૂપિયાના ટોકનમાં ખાપણની કીટ, લાકડા, ડાઘુઓ માટે ચા-પાણી તેમજ સ્મશાનને લાગતી તમામ સુવિધાઓ નિઃશુકલ રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ બારડોલીનું સ્મશાન ગૃહ ફરી શરૂ, સુરતના મૃતદેહોને નહીં આપવામાં આવે અગ્નિદાહ
કોઈ પણ જ્ઞાતિના મૃતદેહને અપાશે અગ્નિ સંસ્કાર
તેમજ આ સ્મશાન સાર્વજનિક હોવાના કારણે કોઈ પણ જ્ઞાતિના મૃતદેહને નાત-જાતના ભેદભાવ વિના અગ્નિ સંસ્કાર કે જરૂર પડત દફન વિધીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ જિલ્લા કે જિલ્લા બહારથી આવતા મૃતદેહને પણ માત્ર 1 રુપિયાના ટોકનથી તમામ સેવાઓ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, સમગ્ર વિસ્તારના કોઈ ગામમાં જગ્યાના આભવે કે લાકડાના અભાવે કોઈને મુંઝવણ પડે તો સુંઢિયા ખાતે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત નિજધામ દરેક જ્ઞાતિના ઉપયોગ માટે ખુલ્લું રાખવામાં આવશે.