- મહેસાણા જિલ્લાની એક ગ્રીન સ્કૂલ જ્યાં પ્રકૃતિનું જતન એ જ શિક્ષણ
- મોટીદાઉ શાળામાં છે ઔષધિ ગાર્ડન, તુલસી રથ, સોલાર સહિત શુદ્ધ પર્યાવરણ
- હવાપાણી, જમીન, ઊર્જા અને બાંધકામક્ષેત્રે પ્રગતિ કાર્ય કરતાં શાળાએ મેળવ્યાં છે અનેક એવોર્ડ
- વિશ્વ બેન્ક દ્વારા ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિર્માણ કરાયું છે તો બેંગ્લોર, દિલ્લી સહિતના સ્ટેટમાં પણ સુવાસ પ્રસરી
મહેસાણાઃ ભારતમાં પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ દ્વારા ઔષધિનો ઉપયોગ કરી આયુર્વેદિક પદ્ધતિથી મોટાભાગની બીમારીનો ઉપચાર કરવામાં આવતો હતો. જોકે હાલના મેડિકલ અને ટેક્નોલોજીના યુગમાં આયુર્વેદનું સ્થાને હાનિકારક દવાઓએ મેળવ્યું છે. ત્યારે દવાઓની આડઅસર સામે ઔષધિઓના ઉપયોગથી ઉપચાર કેવી રીતે થતાં હતાં તે પદ્ધતિ અને પરંપરાને જાળવી રાખવા આજે મોટીદાઉ પ્રાથમિક શાળામાં આવેલા ઔષધિ ગાર્ડન મારફતે બાળકોને શિક્ષણની સાથે ઔષધનું જ્ઞાન આપી રહી છે. અહીં આવેલા ઔષધિ ગાર્ડનમાં તુલસી, શતાવરી, ગૂગળ, શેતુર, ગળો, અરડૂસી, સપ્તપદી, ગુંદી, સરગવો, જામફળ, મોસંબી, ચીકુ, બીલી, સપ્તપદી, સાગ, ચંદન, વાંસ, કૈલાસ પતિ, પીળી મહેંદી, ચણોટી, ચંપો, સહિતની ઔષધિઓ અને ધાર્મિક વૃક્ષ, ફળફળાદી ઉપરાંત કિચન ગાર્ડનમાં શાકભાજીઓના છોડવાનું વાવેતર કરી ઉછેર કરવામાં આવી રહ્યો છે.
- શાળામાં નિર્મિત પ્રકૃતિ બાગમાં રોપા ઉછેર કરી તુલસી રથ ફેરવી ગામમાં રોપા વિતરણ કરાય છે.
શાળાના શિક્ષકો જ્યારે પ્રકૃતિપ્રેમી રહ્યાં છે ત્યારે ઔષધિઓ-વનસ્પતિઓનો વિકાસ માત્ર શાળા પૂરતો સીમિત ન રહે અને વધુને વધુ પ્રકૃતિનું જતન થાય માટે શાળાના શિક્ષકો ગામમાં તુલસી રથ ફેરવી તુલસીના છોડવા સહિતના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ હાલમાં કરી રહ્યાં છે. તો મોટીદાઉ ગ્રીન સ્કૂલની મહેક દૂર-દૂર સુધી પ્રસરતાં આસપાસની શાળાઓ અને ગામોના લોકો પણ અહીંથી રોપઓ લઈ જઈ છોડ ઉછેર કરતાં થયાં છે. આમ આજે મોટીદાઉ પ્રાથમિક શાળા મહેસાણા જિલ્લાની પ્રથમ ગ્રીન સ્કૂલ હોવાના ગૌરવ સાથે પ્રકૃતિના જતન માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.
- ગ્રીનસ્કૂલની શાખમાં વધારો કરતાં વિશ્વબેન્કે ડૉક્યુમેન્ટ્રી બનાવી શાળાનું નામ વિશ્વસ્તરે રજૂ કર્યું
મોટીદાઉ પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વર્ષ 2013થી સતત શાળાના શૈક્ષણિક સિલેબસ સાથે પ્રકૃતિના જતનને પણ પોતાનો સિલેબસ બનાવી લેતાં આજે આ શાળાની સુવાસ વિશ્વસ્તરે પણ મહેકતી થઈ છે. જેમાં વિશ્વ બેન્ક દ્વારા શાળાની મુલાકાત કરી શાળાની ગ્રીનેરી જોતાં એક શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે. જે ન માત્ર આ શાળા પરંતુ મહેસાણા જિલ્લા શિક્ષણ વિભાગ માટે પણ ગૌરવપૂર્ણ બાબત રહી છે. - હવા, પાણી, જમીન, કચરો, ઊર્જા અને બાંધકામક્ષેત્રે પ્રગતિ કાર્ય કરતાં શાળાએ મેળવ્યાં છે અનેક એવોર્ડ
ભારતમાં કુદરતી રીતે મળેલો પ્રકૃતિનો વારસો અમૂલ્ય છે. જેમાં હવા, પાણી, જમીન અને ઊર્જા એ બધું સતત કુદરત દ્વારા વારસાગત મળતું આવ્યું છે. જોકે તેના જતન માટે સરકાર દ્વારા પણ ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા, વૃક્ષરોપણ, જળ બચાવો, ઊર્જા બચાવો જેવા અભિગમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ખાસ હવા, પાણી, જમીન, ઉર્જા અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપતાં આ શાળામાં અસંખ્ય વૃક્ષો અને છોડવાઓની વાવણી કરવામાં આવી છે. જે માટે શિક્ષણ વિભાગ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા નોંધ લેવામાં આવી છે. બીજી તરફ ગ્રીન સ્કૂલ ક્લીન સ્કૂલ અંતર્ગત શાળાને વિશેષ સન્માન સાથે એવોર્ડ આપવામાં આવ્યાં છે. શાળામાં બાળકોને સૂર્ય ઊર્જામાંથી વિદ્યુત ઊર્જામાં રૂપાંતર અને ટેક્નોલોજીનો ઉપયોગ સમજાવવા સોલાર પેનલ અને કોમ્પ્યુટર રૂમ વિકસાવવામાં આવ્યો છે. આમ આજે આ શાળા વિદ્યાર્થીઓને પુસ્તકોના જ્ઞાન ભણતર સાથે પ્રકૃતિના જતન અને સંરક્ષણ માટેના પાઠ શીખવી જિલ્લાની પ્રથમ ગ્રીન સ્કૂલ હોવાનું ગૌરવ લેતાં ગ્રીન ઇન્ડિયા ક્લીન ઇન્ડિયનના અભિગમને આગળ વધારવા પ્રેરણા પૂરી પાડી રહી છે
મહેસાણાથી રોનક પંચાલનો વિશેષ અહેવાલ