- મહેસાણા જિલ્લાની શાળાઓમાં વરસાદી પાણીના સંચય માટેનું અભિયાન
- "જળ એ જીવન" જળ સંગ્રહ થકી જળસંરક્ષણનો શ્રેષ્ઠ ઉપાય
- રેઈન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ થકી શાળાઓએ કટિબધ્ધતા બતાવી
મહેસાણા: જિલ્લાની 1018 જેટલી શાળાઓ પાસેથી વરસાદી પાણીના સંચય માટે દરખાસ્ત માંગવામાં આવી છે. જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટની આયોજન માટે જિલ્લા કક્ષાએ ઉપલ્બધ ફંડ જેવા કે, જિલ્લા આયોજન મંડળ, એમ.પી.એમ.એલ.એ ગ્રાન્ટ, ડિસ્ટ્રીક મીનરલ ફાઉન્ડેશન, સી.એસ.આર ફંડ જેવી વિવિધ ફંડમાંથી વ્યવસ્થા કરવા વિવિધ શાળાઓને માર્ગદર્શિત કરવામાં આવી છે. રેઈન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ માટેની કાર્યપ્રધ્ધતિ અને જળ સંચય માટે વિવિધ શાળાઓને માર્ગદર્શિત પણ કરવામાં આવી છે.
આ માટે જે શાળાઓમાં હયાત બોરવેલને વરસાદી પાણીથી રીચાર્જ કરવા માટે મોડલ-1 જેનો અંદાજીત ખર્ત 45 હજાર રૂપિયા તેમજ જે સ્થળે બોરવેલ ન હોય તેવા સ્થળે પર્કોલેશન વેલ બનાવીને વરસાદી પાણીના જળસંચય માટે અંદાજીત રૂ.90 હજાર ખર્ચ મોડ-2માં થાય છે. જેમાં જિલ્લા સ્તરે તમામ શાળાઓમાં મોડેલ-1 અને મોડેલ-2ની માહિતી મોકલી આપવામાં આવી છે.
પાણી બચાવવાની જવાબદારી સમગ્ર સમાજની, ગુજરાતના એક એક નાગરિકની છે. જળ એ જીવન છે. આપણું જીવન આપણા હાથમાં છે, પણ આપણે એને વેડફી રહ્યા છીએ, ખોટી રીતે વહાવી રહ્યાં છીએ. આપણે ત્યાં કહેવત છે કે, તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય.” આ કહેવત છે તે સમજીને પાણી વેડફાઈ જાય એ પહેલાં જ કૂવા ખોદવાના, પાણી બચાવવાના પ્રયત્નો કરીએ.
સરકાર અને સમાજના સહિયારા પ્રયત્નો થકી આપણે જળ સંરક્ષણ અને જળ સંગ્રહ માટે આગળ આવ્યાં છીએ. મહેસાણા જિલ્લાની શાળાઓ પણ વરસાદી પાણીના જળસંચયના માધ્યમથી વિધાર્થીઓ અને નાગરિકોને પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડી રહ્યાં છે.