મહેસાણાઃ જિલ્લામાં વધતાં કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી લેવાયેલા 974 સેમ્પલમાંથી 884 સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જ્યારે 15 સેમ્પલના રિપોર્ટ્સ પેન્ડીંગ છે. જિલ્લામાં 18 મે ના રોજ મોલીપુરના કોરોનાગ્રસ્ત પ્રસુતા મહિલાના જોડીયા બાળકોમાંથી પુત્ર બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ ઉપરાંત 19 મે ના રોજ 43 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યાં છે અને 3 સેમ્પલના રીઝલ્ટ પોઝિટિવ આવ્યાં છે. મંગળવારે નોંધાયેલા ત્રણ પોઝિટિવ કેસોમાંથી 2 પોઝિટિવ કેસ સુર્યનગરી રો હાઉસમાંથી આવ્યાં છે. જેઓ 14 મે ના રોજ મુંબઇ (મલાડ)થી મહેસાણા આવ્યાં હતા. જોકે હાલમાં બંને સારવાર હેઠળ છે.
જ્યારે અન્ય 1 કેસ ધારપુર ખાંટ બેચરાજી ખાતે નોંધાયો છે. જયાં 35 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે વાસણા અમદાવાદથી 16 મે ના રોજ મહેસાણા આવ્યાં હતાં.
જિલ્લામાં 2 દર્દીઓ સાજા થતાં તેઓનો સાંઇ ક્રિષ્ણા કોવિડ-19 હોસ્પિટલમાંથી મંગળવારે રજા આપવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં હાલ પોઝિટિવ એક્ટીવ દર્દી વડનગર હોસ્પિટલમાં 6 અને સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલમાં 13 અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 01 એમ મળી કુલ 20 એક્ટીવ દર્દીઓ સારવાર હેઠળ છે.