મહેસાણાઃ કડી પોલીસ દ્વારા જુદા-જુદા ગુનાઓમાં બુટલેગરો પાસેથી કબ્જે લેવામાં આવેલા વિદેશી દારૂનો જથ્થો પોલીસ ક્વાટર્સના રૂમમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. લોકડાઉનના સમયગાળામાં કડી પોલીસ મથકના કેટલાંક કર્મીઓ દ્વારા દારૂનો જથ્થો સગેવગે કરી વેચતા હોવાની ઘટના બહાર આવી હતી.
આ ઘટનામાં તત્કાલીન PI, 2 PSI સહિત 9 પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં હેડ કૉન્સ્ટેબલ હિતેશ પટેલ અને GRD ચિરાગ પ્રજાપતિની ધરપકડ કરાઇ હતી અને દારૂકાંડમાં સંડોવાયેલા PSI બારાની તપાસકર્તા ટીમ દ્વારા તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં PSI બારા દ્વારા નર્મદા કેનાલમાં ફેંકવામાં આવેલા દારૂની વિગતો તપાસકર્તા ટીમને મળતા ગાંધીનગર DySPની અધ્યક્ષતામાં SITની ટીમે તરવૈયાની મદદથી નરસિંહપુરા કેનાલમાંથી 2 દિવસમાં વધુ 457 બોટલો કાઢી હતી.
દારૂકાંડમાં સંડોવાયેલા PSI બારાના રિમાન્ડ દરમિયાન બારાએ કેનાલમાં કઇ જગ્યાએ દારૂનો જથ્થો નાખ્યો છે, તેનો ભાંડો ફોડી દીધો હતો. જેથી SITની ટીમે તાત્કાલિક તરવૈયાની મદદથી બે દિવસ કેનાલમાં સર્ચ ઓપરેશન કરી નર્મદા કેનાલમાંથી નાની મોટી અને વિવિધ બ્રાન્ડની વધુ 457 બોટલો બહાર કાઢી કબ્જે કરી હતી અને હજુ વધુ બોટલોની શોધખોળ ચાલુ રાખી હતી.
બહુચર્ચિત દારૂકાંડમાં કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે. જેમાં અત્યાર સુધીમાં 3 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ મહેસાણાઃ કડી પોલીસે સગેવગે કરેલી દારૂની બોટલો NDRF ટીમે કેનાલમાંથી શોધી કાઢી
- લોકડાઉન દરમિયાન વિદેશી દારૂની ઊભી થયેલી તંગીમાં બુટલેગરો સાથે મળી દારૂનો ધંધો કરનારી કડી પોલીસના ગળે હવે ગાળિયો બરાબરનો કસાયો છે. ઉચ્ચસ્તરીય તપાસના પગલે 1200થી વધુ દારૂની બોટલોનો જથ્થો નરસિંહપુરા પાસે નર્મદા કેનાલમાં રાતોરાત સગેવગે કરાયો હોવાનું ધ્યાને આવતા NDRFની ટીમે કેનાલમાંથી વિદેશીદારૂની 100 જેટલી બોટલો શોધી કાઢી હતી.
આ પણ વાંચોઃ કડી પોલીસે કરેલા દારૂના વેપારનો ભાંડો ફૂટ્યો, કેનાલમાંથી મળી આવી 132 બોટલ
- લોકડાઉનમાં 3 દિવસ ચાલેલી તપાસ દરમિયાન મહેસાણા જિલ્લામાં પહેલી વાર NDRF ટીમની મદદ લઈ પોલીસે કડીના નરસિંહપુરા નજીકની નર્મદા કેનાલમાંથી 20 ફૂટ જેટલા ઊંડા પાણીમાં ફેંકી દેવાયેલી 132 જેટલી દારૂની બોટલો શોધી કાઢી સમગ્ર ઘટનામાં મહત્વનો પુરાવો મેળવ્યો હતો.