મહેસાણા: રાજ્યમાં સરકાર દ્વારા રાહત દરે અનાજ વિતરણ કગુરૂવારથી શરૂ કરાયું છે. જો કે, રાહતનું અનાજ મેળવવા જતા લાભાર્થીઓ તંત્રના ડામાડોળ આયોજનથી ત્રસ્ત થયાં છે.
વિસનગર ખાતે આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ ગુરુવારે વહેલી સવારે પોતાની દુકાન ખોલતાની સાથે જ રાહતનું રાશન લેવા માટે લાભાર્થીઓની ભારે ભીડ જામી હતી. જો કે, પોલીસ તંત્રએ GRD ગાર્ડ ગોઠવી યોગ્ય વ્યવસ્થા કરી હતી.
અમૂક લાભાર્થીઓનું કાર્ડ બંધ થઇ જવાથી તેમને અનાજ મળ્યું નહોતું. આ ઉપરાંત કેટલાક દુકાનદારોએ ઓછી સામગ્રી આપીને છેતરપિંડી કરવાના પ્રયાસો પણ કર્યા હતા. જો કે, વોલેન્ટરી તરીકે ઉપસ્થિત સભ્યોના ધ્યાને આ બાબત જતાં તેમણે દુકાનદાર સામે જરૂરી પગલાં લઇને લાભાર્થીઓને મળવા પાત્ર જથ્થો આપાવ્યો હતો.
રાશન વિતરણમાં અનેક ફરિયાદો મળતાં વિસનગર પ્રાંત અધિકારી સહિત તંત્ર હરકતમાં આવી ગયું હતું. આમ છતાં આ રાહત અનાજનું વિતરણ ખોરવાયેલું રહેતા અનેક લાભાર્થીઓ સરકારના આ મફત મળતા અનાજના લાભથી વંચીત રહ્યા છે. આ ઉપરાંત તંત્ર પણ પોતાની પોલ છુપાવવા મીડિયાના કેમેરાથી દૂર ભાગી રહ્યું છે.