મહેસાણા : ભારત એક ખેતી પ્રધાન દેશ છે, ત્યારે ખેતી અને પશુપાલનના મુખ્ય વ્યવસાયને પ્રોત્સાહિત કરવા સરકાર દ્વારા અનેક યોજનાઓ અને આયોજનો કરવામાં આવ્યા છે. ત્યારે ખેડૂતોની આવક બમણી કરવા અને ખેતી પશુપાલનને પ્રોત્સાહિત કરવાના સરકારના હેતુને આગળ વધારતા બેન્ક ઓફ બરોડા દ્વારા 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી બરોડા કિસાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.
બરોડા કિસાન પખવાડિયાની ઉજવણીના ભાગરુપે મહેસાણા જિલ્લામાં વિસનગરથી બેન્ક અને ખેડૂતના આ અવસરની શરૂઆત કરતા સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલ, ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ અને બેન્કના અમદાવાદ ઝોનલ અધિકારી એસ. એસ. બંસલે કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં ખેડૂતોને સરકાર અને બેન્ક થકી મળતી વિવિધ યોજનાઓનો લાભ લઈ કૃષિ ક્ષેત્રે પ્રગતિ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગકારોને તેમની વિશેષ કામગીરી અને સફળતા બદલ સન્માન આપી પ્રેરણાબળ પૂરું પાડવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, જ્યારે ખેડૂતો અને પર્યાવરણના ક્ષેત્રમાં આવતા ખેતીના આ કાર્યક્રમમાં ખેડૂતો સેઢાની જમીનનો ઉપયોગ કરી વૃક્ષો વાવે તેવા અંતરના ઉમળકા સાથે ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલ દ્વારા ઉપસ્થિત દરેક ખેડૂતોને ચીકુ, કાજૂ સહિતના છોડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.