- પાંચોટ ગામ નજીક અકસ્માત
- રોડ પાસે આવેલા તળાવમાં કાર ખાબકતા સર્જાયો અકસ્માત
- 1 મહિલા અને 2 પુરુષના થયા મોત
મહેસાણાઃ મંગળવારે વહેલી સવારે મહેસાણાથી રાધાનપુર તરફ જતી એક કાર પાંચોટ ગામ નજીક તળાવમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે રસ્તા પરથી કોઈ પસાર ન થતું હોઈ કાર લાંબો સમય સુધી પાણીમાં પડી રહી હતી. જોકે, સ્થાનિકોને ઘટનાની જાણ થતાં તંત્રની મદદ લઇ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં ભારે જહેમત બાદ કાર પાણીમાંથી બહાર કાઢતા કારમાં સવાર બે પુરુષ અને એક મહિલાનું આ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાની વિગતો સામે આવી હતી.

ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
મહત્વનું છે કે, મહેસાણાથી રાધનપુર અને સુઈગામ તાલુકાનની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા બે પુરુષ અને એક મહિલા એમ ત્રણ શિક્ષકો કારમાં જઈ રહ્યા હતા. ત્યાં પાંચોટ ગામ નજીક અગમ્ય કારણોસર ચાલકે કાબુ ગુમાવતા કાર નજીકમાં આવેલા તળાવમાં જઈ પડી હતી, જેમાં ત્રણે શિક્ષકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા છે. જે ઘટનાને પગલે મહેસાણા તાલુકા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી બનાવ અંગેની વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો ત્રણે શિક્ષકોને કાળ ભરખી જતા તેમના પરિવારો અને સ્નેહીઓમાં ભારે શોકની લાગણી પ્રસરી છે.
