મહેસાણા: ગાંધીનગર વિસનગર હાઇવે પર થી મોપેડ લઈ પસાર થતા બે યુવકોને ડાભલા ગામ નજીક એક બેફામ ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બન્ને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં મોપેડ ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ટ્રક લઈ ફરાર થઇ ગયો હતો. જ્યારે બનાવ અંગે વસઈ પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી.
ઘટના સ્થળે જ મોત: અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતો જૈમીન મહેશકુમાર બારોટ નામનો 18 વર્ષીય યુવક મોપેડ લઈ તેના મિત્ર સાથે વિસનગરના કડા ગામે સિદ્ધએશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા આવી રહ્યો હતો. જ્યા રસ્તામાં ગોજારીયા થી વિસનગર હાઇવે પર ડાભલા ગામ નજીક એક બેફામ ટ્રક ચાલકે તેના મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકની જોર થી ટકકર વાગતા રોડ પર પટકાતા મોપેડ સવાર બન્ને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં મોપેડ ચાલક જૈમીન બારોટનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
ગુનો નોંધી વધુ તપાસ: જ્યારે તેના મિત્રને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે રસ્તા પર લોકો ભેગા થઈ ગયા હતા. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં મૃતકના મામા એ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં અકસ્માતની વિગતો જાણી વસઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી. પોલીસે સમગ્ર બનાવ મામલે સ્થળ પર પંચનામું કરી મૃતક યુવક અને તેના મોપેડની સ્થળ સ્થિતિ ચકાસી હતી. સ્થળ પર થી બે પંચોની હાજરીમાં પંચનામું કરી ઘટનાનો ચિતાર તૈયાર કરાયો હતો. મૃતદેહનું પોસ્યમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.
યુવકની અંતિમ યાત્રા: મામાના ઘરે રહેતો યુવક મંદિરે દર્શને વિસનગરના કડા ગામે જતા રસ્તામાં ડાભલા ગામ નજીક બનેલ અકસ્માતની ઘટનામાં એક આશાસ્પદ યુવક મોતને ભેટતા મૃતક યુવકનો પરિવાર ભારે શોકની લાગણીમાં મુકાયો હતો. ભારે હૈયે યુવકની અંતિમ યાત્રા કરી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અકસ્માત સ્થળે હજાર લોકોમાં જોવા અને સાંભળવા મળતા કુતુહલ મુજબ ગાંધીનગર વિસનગર વાળા આ હાઇવે પર સતત બેફામ ટ્રકો ફરી રહી છે. જેમની ગતિ મર્યાદા પણ જળવાતી નથી.
ગંભીર પ્રકારના માર્ગ: કેટલાક ટ્રકો તો rto પાસિંગની નંબર પ્લેટ પણ લગાવતા નથી જેથી આવી અકસ્માતની ઘટના બાદ તેઓને ભાગી છૂટવામાં ઘણી સફળતા મળે છે. માટે પોલીસ અને rto તંત્રએ પણ આ રોડ પર એક ડ્રાઇવ કરી આવા ટ્રક સહિતના વેફામ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવી જરૂરી બની છે જેથી આ યુવક સાથે બનેલ ગંભીર પ્રકારના માર્ગ અકસ્માતો ટાળી શકાય.