મહીસાગર: વૈશ્વિક મહામારી કોરોના વાઇરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી તથા વંદે ગુજરાત ચેનલ-1 પરથી “મહિલા સશક્તિકરણ” પખવાડિયા અન્વયેના કાર્યક્રમો વધુમાં વધુ લોકો નિહાળે તે અંગે જાણકારી આપવામાં આવી છે. જેમાં 1લી ઑગસ્ટ 2020ના રોજ મહિલા સુરક્ષા દિન નિમિત્તે સોશિયલ મીડિયાથી થતા ગુનાઓ અને તેના પ્રકાર, સાયબર સેલની કામગીરી, ગુનાઓની સજા અને સાવચેતીના પગલા અંગે મહિલા સુરક્ષાની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
2જી ઑગસ્ટના રોજ “વહાલી દીકરી યોજના” અને દીકરીઓ માટેની અન્ય યોજનાઓની માહિતી આપવામાં આવી હતી, તથા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા “વહાલી દીકરી યોજના” અને મહિલાલક્ષી યોજના વિશેના IEC પ્રેમ્પ્લેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
3જી ઑગસ્ટના રોજ મહિલા સ્વાવલંબન દિવસે સ્વાવલંબનથી સશક્તિકરણ તરફ, સ્વાવલંબી બનવા મળેલી પ્રેરણા, સંઘર્ષમાં મળેલા સહકાર સહાય અને સફળતા બાબતે મહિલા સ્વાવલંબન અંગેની યોજનાઓ અને કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
4થી ઑગસ્ટે મહિલા નેતૃત્વ દિવસે ગ્રામ વિકાસ અને વ્યવસાયિક નેતૃત્વ, કૌટુંબિક, સામાજીક તેમજ આગેવાનો સાથે સમાયોજન સાધવા અંગેના અનુભવો, નેતૃત્વથી સાર્થક કરેલી સિદ્ધિઓ, મહિલા નેતૃત્વ અંગેની યોજનાઓ અને પ્રશ્નોત્તરી અંગે સંવાદ કરવામાં આવ્યો હતો તેમ મહિલા અને બાળ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.