મહિસાગર: આદિવાસીઓનું કહેવું છે કે, અધિકારીઓ રજૂઆતો અને નિયમોને નેવે મૂકી અન્યાય કરી રહ્યા છે. ગ્રામ પંચાયતે ઠરાવ કરી CHCના બાંધકામ માટે અન્ય જગ્યા ફાળવી હોવા છતાં અધિકારીઓ ગ્રામ પંચાયતને સાંભળવા તૈયાર નથી. હાઈકોર્ટે અગાઉનો કલેક્ટરનો હુકમ રદ કરી ખાતેદારોને સાંભળવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટના આદેશને કલેક્ટર ઘોળી પી ગયા અને 30 જેટલા મહિલાઓ સહિત આદિવાસીઓને ડિટવાસ પોલીસ ડીટેઈન કરવામાં આવ્યા છે.

CHC સેન્ટરને લઈને વિરોધ: કડાણા તાલુકાના ડિટવાસ ગામમાં નવીન બની રહેલ CHC સેન્ટરના ખાત મુહૂર્ત પહેલાં જ વિવાદ સર્જાયો છે. જેમાં પોતાની ખેડાણ જમીન છીનવી લેવાના આરોપ સાથે આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં વિરોધ કરી રહેલા 30 જેટલા આદિવાસીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ન્યાય ન મળે ત્યાં સુધી અમે ખાતેદારોએ જેલમાં રહેવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

શું છે આદિવાસીઓના આરોપ: CHC સેન્ટર બનાવવા માટે સેંકડો વર્ષોથી ખેડાણ કરી ખેતી કરતા આદિવાસી સમાજના લોકોની જમીન બળજબરી પૂર્વક છીનવી લેતા આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્રણ વર્ષની રજૂઆતો બાદ પણ અધિકારીઓ આદિવાસીઓની વાત સાંભળવા તૈયાર નથી. 17 જેટલા ખાતેદારો અને તેમના કુટુંબીજનો CHC સેન્ટરના બાંધકામનો વિરોધ કરી રહ્યા છે.

ડિટવાસ ગામમાં નવીન CHC માટેનું મકાન બનાવવા સરકારે જમીન ખેડતા આદિવાસી ખેડૂતોને જમીનમાંથી બેદખલ કર્યા હતા. પોલીસ અને સત્તાના જોર બળજબરીપૂર્વક સરકારે બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતાં જમીનની ખાતેદાર મહિલાઓ સહિત આદિવાસીઓએ વિરોધ ઉઠાવ્યો હતો.