બાલાસિનોરના રૈયાલી ગામે આવેલો આ પાર્ક પ્રવાસમાં માટેનું ઉત્તમ સ્થળ છે. લગભગ બાવન એકરમાં વિસ્તરેલાં આ પાર્કમાં 65 મિલીયન વર્ષ જૂનો ડાયનોસોરનો ઇતિહાસ સચવાયેલો છે. આજથી 36 વર્ષ પહેલાં ડાયોનોસોરના અવશેષો પાર્કમાંથી મળી આવ્યા હતા. આશરે 1983માં પુરાત્વ વિભાગ દ્વારા થતાં ખોદકામ વખતે ડાયનોસોરના અવશેષ મળ્યાં હતા. બાલાસિનોરથી 11 કિલોમીટરના અંતરે આવેલા રૈયાલી ગામ વર્ષોથી ગામ પેલિયોન્ટોલોજીસ્ટનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.
પેલિયોન્ટોલોજીસ્ટ માને છે કે, ડાયનોસોરની લગભગ સાત જાતિઓ અહીં રહેતી હતી. અહીંથી સંશોઘકો દ્વારા ડાયનાસોરના આશરે દશેક હજાર જેટલા ઈંડાના અવશેષો શોધાયાં છે. આ વિશ્વનું બીજું સૌથી મોટું અકુદરતી સ્થળ છે જ્યાંથી ડાયનોસોરના કેટલાક ઈંડા સારી હાલતમાં મળ્યા હોય. જે આ ગામને ડાયનોસોરની વિશ્વની ત્રીજી સૌથી મોટી ફોસીલ વસાહત પુરવાર કરે છે.
આગાઉ 2003માં અહીથી નવી પ્રજાતિઓ પણ શોધાઇ હતી. આ પ્રજાતિઓમાં ટાયરેનોસૌરસરેકસ કુળની હતી. તેના ઈંડા એટલા વિશાળ કદના હતા એટલે તેને રાજાસૌરસ નર્માન્ડેન્સીસ-નર્મદાના રાજા નામ અપાયું હતું. આ પ્રજાતિઓના હાડકાં નર્મદા નદીના કિનારેથી મળી આવ્યાં હતા. ડાયોસોરનું ભવ્ય ઇતિહાસ ધરાવતા આ પાર્કને અદ્યતન ટેક્નોલોજીમાં ફેરવીને પ્રવાસીઓ અને અભ્યાસુઓ માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ખુલ્લુ મુકવામાં આવી રહ્યું છે. જેની માટે રૈયોલી ખાતે ઇન્ફોર્મેટીક સેન્ટરનું આયોજન કરાયું છે. જેમાં ટેક્નોલોજીથી સજ્જ આકર્ષક પ્રદર્શનો મૂકવામાં આવ્યા છે.
ટાઈમ-મશીન, વિશ્વ અને ગુજરાતના અલગ અલગ ડાયનાસૌરના અવશેષનું કલાત્મક પ્રદર્શન હશે. તેમજ ફોસીલ ઇંડાઓ અને હાડકાં , 5D થિયેટર, 3D ફિલ્મ, મેસોઝોઈક સમયનું આબેહૂબ વાતાવરણ, મ્યુઝીયમ, અલ્પાહાર ગૃહ અને સોવેનિયર સોપ જોવા મળશે. આ ઉપરાંત ડાયનાસૌર ડિસ્પ્લે, મ્યૂઝિયમને અનુરૂપ આકર્ષક મુખ્ય પ્રવેશદ્વારની રચના, રાજાસૌરસ ડાયનાસૌરનું સ્કલ્પ્યર, ઇવોલ્વયુશન ઓફ અર્થનું ડિજિટલ ડિસ્પ્લે, વોલ-આર્ટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.
આ પાર્કની આસપાસ બાલાસિનોર મઢી નામનું એક રમણીય ઐતિહાસિક નગર છે અને એની આસપાસ અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. તેમજ સુદર્શન તળાવ, કેદારેશ્વર મહાદેવ, ભીમ ભમરડા, હનુમાન ટેકરી, કેડી ગઢ મહાકાળી મંદિર, જૂનું પ્રાચીન લીલવણીયા મહાદેવ, અંબાજી મંદિર, મધ્ય ગુજરાતની સિંચાઈ અને પાણીની જરૂરિયાત પૂરી પાડતો વણાકબોરી ડેમ સહિતના સુંદર સ્થળો અહીં આવેલાં છે માટે આ સ્થળની મુલાકાત લઇ તેની વિશેષતાથી પરિચિત થવા રાજ્ય પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ જણાવ્યું છે.