મહીસાગર: રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટિંગ સિઝન 2020/21 અંતર્ગત ડાંગર, મકાઇ અને બાજરી લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી આગામી 16/10થી શરૂ કરવામાં આવશે. જે 31/12 સુધીના ડાંગર અને મકાઈ અને બાજરી માટે જિલ્લાના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના લુણાવાડા, સંતરામપુર, કડાણા, વીરપુર, બાલાસિનોર જ્યારે ખાનપુર તાલુકા માટે અંબિકા એનિમલ ફિડ્સ ગામ, ચારણના દહેગામડા ખાતે તથા બાજરીની ખરીદી વીરપુર, બાલાસિનોર ગોડાઉન કેન્દ્રો ખાતે જ્યારે ખાનપુર તાલુકા માટે એનિમલ્સ ફિડ્સ ગામ ચારણના દહેગમડા ખરીદ કેન્દ્ર ખાતે કરવામાં આવશે.
ભારત સરકાર દ્વારા આ માટેના લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. લઘુત્તમ ટેકાના જાહેર કરવામાં આવેલા ભાવ અનુસાર ડાંગર રુપિયા 1,868 પ્રતિ ક્વિન્ટલ, ડાંગર માટે રુપિયા 1,850 પ્રતિ ક્વિન્ટલ અને મકાઈ માટે રુપિયા 1,850 પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે રુપિયા 2,150 પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યા છે.
તે અનુસાર મહિસાગર જિલ્લાના જે ખેડૂતો લઘુતમ ટેકાના ભાવે ડાંગર મકાઇ બાજરીનું વેચાણ કરવા ઈચ્છતા હોય તેઓએ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના તાલુકા ખાતે 29/10 સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.
જે ખેડૂતો ઓનલાઇન નોંધણી કરાવવા ઇચ્છતા હોય તેઓએ નોંધણી માટેના જરૂરી પુરાવાઓ જેવા કે, આધાર કાર્ડની સેલ્ફ એટેસ્ટેડ નકલ, આધાર નોંધણી નંબર અને તે અંગેનો પુરાવો, અધ્યતન 7/12 અને 8A રેકોર્ડની નકલ, ફોર્મ નંબર 12માં પાક વાવણી અંગે એન્ટ્રીના થઈ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીનો સહી સિક્કા સાથેનો અસલ દાખલો, ખેડૂતોના નામે (IFSC) કોડ સહિતની બેન્ક એકાઉન્ટની વિગતો માટે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ નોંધણી કરાવવા માટે સાથે લઈ જવાની રહેશે.
ખેડૂતોએ પોતાના માલની અસ્વીકૃતિ ન થાય તે માટે તેમનો જથ્થો સાફ-સુફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત સમય મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાય તો તડકામાં સુકવીને ખરીદી કેન્દ્ર ખાતે લઈને જવું, જેથી પોતાના માલની સ્વીકૃતિ થાય અને ખેડૂતોને જો તેમના લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન બાબતે જો કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પ લાઈન નંબર 8511171718 અને 85111717179 પર સંપર્ક કરવા મહીસાગર-લુણાવાડાના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબ જિલ્લા મેનેજરે એક યાદી દ્વારા જણાવ્યું છે.