મહીસાગરઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ભયજનક વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કોરોનાથી પ્રથમ મોત નોંધાતા ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં 16 મી એપ્રિલે પ્રથમ કેસ નોંધાયા બાદ જિલ્લામાં મંગળવારે લુણાવાડા તાલુકામાં-2, વીરપુર તાલુકામાં -2 મળી પોઝિટિવ કેસની સંખ્યા 41 એ પહોંચી છે. જિલ્લામાં ત્રીજા ચરણમાં કોરોના કહેરે હાહાકાર મચાવ્યો છે.
લુણાવાડા તાલુકાના ગરીયા ગામના 52 વર્ષીય વ્યક્તિ દલાભાઈ કાળુભાઈ નટ છેલ્લા ઘણાં વર્ષોથી ટીબીની બિમારીથી પીડાતા હતા. અચાનક તેમની તબિયત બગડતા ગોધરા સીવીલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમને કોરોનાનો ચેપ લાગતા વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું છે.
બીજી તરફ મહીસાગર જિલ્લાના બાલાસિનોર અને સંતરામપુર નગર સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ પગ પેસારો કરતાં કડાણા, વિરપુર, લુણાવાડા અને સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ જોવા મળતા લોકો ફફડી રહ્યા છે. સ્થાનિક સંક્રમણના કારણે કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આરોગ્યતંત્ર દ્વારા જે વિસ્તારમાંથી પોઝિટિવ કેસ મળ્યા છે તે વિસ્તારોમાં લોકોની અવર-જવર બંધ કરાવી કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો છે. પ્રભાવિત થઇ શકે તેવા વિસ્તારોને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
અત્રે નોંધનીય છે કે, લોકડાઉનના પ્રથમ ચરણમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો હતો. પરંતુ બીજા ચરણમાં કેસની સંખ્યામાં મોટો વધારો થતાં જિલ્લાવાસીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, રાહતના સમાચાર છે કે, જિલ્લામાં 7 દર્દીઓએ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે.