મહીસાગર: નાગરિકોમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી મહીસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જે તે તાલુકાના સબંધિત લાયઝન અધિકારીઓ, તાલુકા હેલ્થ ઓફિસરો, મામલતદારોના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મેડીકલ ટીમ, આશા બહેનો, ધન્વંતરી રથ અને RBSKની ટીમ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતેના પરા બજારના ગણપતિ મંદિરની આસપાસના વિસ્તારોમાં દુકાન ધરાવતા 75 દુકાનદારોના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

જે તમામના સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. આ જ રીતે બાલાસિનોરના તળાવ વિસ્તારમાં, નવાપુરા ગામમાં પણ નાગરિકોના આરોગ્યની ચકાસણી કરી જરૂરિયાતમંદોને જરૂરી દવાઓનું વિતરણ કરવાની સાથે રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જિલ્લાના આરોગ્ય તંત્રના તમામ આરોગ્ય કર્મીઓ જિલ્લામાં કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે અવિરતપણે તેઓની ફરજો અદા કરવાની સાથે તમામને સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્કની ઉપયોગીતા અને સેનેટાઇઝરના ઉપયોગ વિશે તેમજ માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળવાનું સમજાવી રહ્યા છે.