લુણાવાડા:સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારત સહિત ગુજરાતમાં કોરોનાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે ચિંતાજનક બાબત છે. ત્યારે મહિસાગર જિલ્લા વાસીઓને કોરોનાથી બચાવી શકાય અને કોરોના સંક્રમણને નિયંત્રણમાં કરી શકાય તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
તદ્દનુસાર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.જી મલેકે જિલ્લાના પાંચ હજારથી વધુ પ્રાથમિક શિક્ષકોને જિલ્લાના વધુને વધુ નાગરિકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરે તે માટે આરોગ્ય સેતુ એપનો પ્રચાર પ્રસાર કરવા અને તેનું માર્ગદર્શન આપી વધુને વધુ નાગરિકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા પ્રેરાય તેવી કામગીરી કરી સમાજમાં એક નવો રાહ ચીંધવા અપીલ કરી હતી.
આ અપીલને જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા સારો એવો પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે. જિલ્લાના જેઠાલી, વરધરી, પાનમ પાલ્લા અને મોટી દેનાવાડ ગામોમાં પ્રાથમિક શિક્ષકોએ ગામની મુલાકાત લઈને નાગરિકોને આરોગ્ય સેતુ એપ કેવી રીતે કામગીરી કરે છે તેની સમજ આપી નાગરિકોને સ્થળ ઉપર જ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવામાં આવી હતી. આમ મહિસાગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકો કોરોના વોરિયર્સ બનીને નાગરિકોને આરોગ્ય સેતુ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની સાથે કોરોના સંક્રમણથી બચવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઇએ તેની સમજ આપીને સાચા અર્થમાં પોતાનો ધર્મ નિભાવી રહ્યા છે.