મહીસાગરઃ કડાણા તાલુકામાં આવેલી વાછલાવાડા પ્રાથમિક શાળાની આકસ્મિક તપાસ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.અવનીબા મોરી આવી પહોંચ્યા હતા. જેને લઈને જિલ્લાના બેદરકાર શિક્ષકોમાં તો ફફડાટ હતો જ, પરંતુ અહીંની શાળાના આચાર્યના પગ વધારે લથડવા લાગ્યા હતા. આ શાળાના આચાર્ય સરદાર માલીવાડ શંકાસ્પદ હાલતમાં તેમને જણાઈ આવ્યો હતો. રાજપાઠમાં હોય તેમ આચાર્ય અહીં કામ કરતા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આચાર્યને સારી રીતે પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. જીલ્લાની અગલ અલગ શાળામાં આકસ્મિક તપાસ થતાં અન્ય શિક્ષકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
શિક્ષણ જગતને લજવતી ઘટના: ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ શિક્ષણ જગતને લજવતી આવી ઘટનાઓ બની ચુકી છે. જેમાં સરકારી શાળાના શિક્ષકો દારુનો નસો કરેલી હાલતમાં બાળકો સામે આવ્યા હોય. આવી ઘટનાઓને ચલાવી લેવાય તેમ બિલકુલ ના હોઈ ઘટનાઓમાં કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં શિક્ષણાધિકારી દ્વારા આ ઘટનામાં પણ કાર્યવાહી થઈ છે. આચાર્યને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબાએ પોતાના વાહનમાં આચાર્યને બેસાડી ડીટવાસ પોલીસને જાણ કરી હતી. દરમિયાન રસ્તામાં પોલીસના વાહન સામે મળતા આચાર્યને પોલીસની વાનમાં બેસાડી ડીટવાસ પોલીસ મથકે લઈને પહોંચ્યા હતા. જ્યાં પણ આચાર્ય પોલીસવાનમાંથી ઉતર્યા પછી પણ લથડિયા મારતો જોવા મળ્યો હતો. આખરે પોલીસે આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.અવનીબા મોરીએ જણાવ્યુ કે, અમો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની શાળાઓની તપાસણી માટે સવાર સાડાસાતથી નીકળેલા, જેમાં અમે ત્રણ શાળા બાદ ચોથી શાળાની તપાસ માટે અમે વાછલાવાડા પ્રાથમિક શાળામાં પહોંચ્યા. ત્યારે ત્યાંના આચાર્ય અમને ગ્રાઉન્ડમાં જોવા મળેલા અને તેમનો ચહેરો જોતજ અમને થોડી શંકા જણાઈ કે, આમાં કઈક નશો કરેલો હોય એવી શંકા અમને લાગી. એટલા માટે એમને અમે અંદર જઈને પુછતાજ કરી થોડી. પછી એમની પાસે અલગ અલગ ડૉક્યુમેન્ટ એટલેકે દસ્તાવેજો માગ્યા, પરંતુ, એમને ખ્યાલ આવતો ન હતો. સૂચના આપ્યા છતાં કે મેડમ શું માંગી રહ્યા છે. એટલે અમારી શંકા થોડી વધુ દ્રઢ બની.
અમારી શંકા દ્રઢ બની: એના પછી અમો થોડું એમને ખખડાવીને પૂછ્યું, એટલે જવાબ ન મળતા અમારી શંકા દ્રઢ બની. સાથે સાથે શાળામાં જે હાજર વિદ્યાર્થીઓ હતા તે પણ ખૂબ ઓછા જણાયા. અને ઓન લાઇન જે હાજરી ભરેલી હતી તે પણ સાચી હાજરી એમને ભરી નથી. આવું બધુ અમને બેદરકારી ખૂબ જણાઈ, એટલે વધારે પ્રશ્ન પૂછાતા તેઓ મુંઝાઈ ગયેલ, એટલે અમોએ તરત એને અમારી સરકારી ગાડીમાં બેસાડી અને પોલીસ સ્ટેશન અમો લઈ ગયા હતા. આવી ઘટના જોતાજ જો આના પાછળ કડક કાર્યવાહી કરવામાં ન આવે તો અમારી પણ ફરજ પ્રત્યેની બે દરકારી ગણાય. એટલા માટે કડકમાં કડક કાર્યવાહી કરવા અર્થે તે સીધાજ અમારી ગાડીમાં બેસાડી અમે એને ડીટવાસ પોલીસ સ્ટેશન અમે લઈ ગયા. અને આચાર્ય વિરુદ્ધમાં અમે એફ.આઇ.આર દર્જ કરાવી છે.
મેડિકલ ચેકઅપ: પોલીસ તપાસની આ એફ.આઈ.આર. સંદર્ભમાં પોલીસ પોતાની તપાસ પ્રક્રિયા આગળ વધારશે. એમનું મેડિકલ ચેકઅપ પણ થઈ ગયેલું છે. એ મેડિકલનો રિપોર્ટ આવશે. આ બંને રિપોર્ટના આધારે આપણે આગળ એમની તપાસ કરી, અને જો, આ ગુનો છે એની આપણને પૂરતી સાબિતી મળી જશે. એટલે એમના માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.આ શાળાની અંદર 29 વિદ્યાર્થીઓ રજીસ્ટર છે. અને બે શિક્ષકો જે છે એ કામકારી રહ્યા છે.