મહીસાગરઃ કવિ ભાગ્યેશ જહાએ 'ઊંઘ તો માઁના હાલરડાં થકી જ આવે' તેમ કહી માતૃભાષાનો મહિમાગાન કર્યો હતો. તેમણે મીરાંબાઈની ધરતી પરના સ્વાનુભવને વર્ણવી કૃષ્ણના પ્રેમરસથી સૌને ભીંજવ્યા હતા. મહેસાણી અંદાજમાં કવિતા પ્રસ્તુત કરતાં તળપદી ભાષાના લ્હેકાના ભાષાના વૈભવનો પરિચય કરાવ્યો હતો.
કવિ ભાગ્યેશ જહાએ અનોખું વ્યક્તિત્વ ધરાવતા એવું સંગમ સ્થાન છે, જ્યાં સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી ભળે, હ્રદયથી કવિ, તાલીમથી બ્યુરોક્રેટ, પણ અનુભવે સંવેદનશીલ અને દ્રષ્ટિવંત વહીવટકર્તા અસરકારક વક્તા, હાસ્યની સહજ સ્ફુટ થતી રમુજવૃત્તિ અને સતત શ્રેષ્ઠતાની જ શોધ અને માતૃભાષા સંવર્ધનની સાધના સ્વીકારનારા કર્મયોગી છે. તેમનો અસ્ખલિત વાણી પ્રવાહ સાંભળવો એક લ્હાવો છે. લુણાવાડા ખાતે આ કાર્યક્રમનો ભરપૂર લાભ લેતા રસિક શ્રોતાઓના તાળીઓના ગડગડાટ અને હાસ્યની છોળો સાથે ભરચક લાલસિંહજી લાયબ્રેરી સભાખંડ ગુંજી ઉઠ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર આર. બી. બારડ, બાલાસિનોર અગ્રણી તબીબી ડૉ. અમીત પટેલ સહિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે જિલ્લા કલેકટરએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મહીસાગર સાહિત્ય સભાના સંયોજક નરેન્દ્ર જોશીએ અને આભાર દર્શન રમેશ વાઘેલાએ કર્યું હતું, તેમજ સંચાલન હિતેશ પંચાલે કર્યું હતું.