સમગ્ર ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સારું રહ્યુ છે અને જેના કારણે ગુજરાતના મોટાભાગના જળાશયો ઓવરફ્લો થયા છે. જેના કારણે જળાશયોમાંથી વારંવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમનું જળ સ્તર 416.09 ફૂટ પર પહોંચ્યું છે. જે સપ્ટેમ્બર મહિનાના રુલ લેવલ 416.2 કરતા 7 ઇંચ વધારે છે.
ડેમમાં પાણીની આવક 44262 ક્યુસેક થઈ રહી છે. કડાણા ડેમના ચાર ગેટ 7 ફૂટ અને એક ગેટ 8 ફૂટ ખોલી 45167 ક્યુસેક પાણી તેમજ 60 મેગાવોટના 4 પાવર હાઉસ કાર્યરત છે. જેના દ્વારા 21200 ક્યુસેક પાણી એમ કુલ 66367 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે સુજલામ સુફલામ કેનાલમાં 1100 ક્યુસેક પાણી અને કે.એલ.બી.સી કેનાલમાં 425 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ કુલ ડેમમાંથી 67892 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સમગ્ર મહીસાગર જિલ્લામાં ચોમાસાના આખરી તબક્કામાં છેલ્લા ચોવીસ કલાક સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.
છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લાના 6 તાલુકા પૈકી ખાનપુર તાલુકામાં 36 મીમી અને સિઝનનો 104.09 ટકા, બાલાસિનોર તાલુકામાં 22 મીમી અને સિઝનનો 85.91 ટકા, વીરપુર તાલુકામાં 11મીમી અને સિઝનનો 72.63 ટકા, લુણાવાડા તાલુકામાં 7 મીમી અને સિઝનનો 73.76 ટકા % વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સીઝનનો સૌથી વધારે વરસાદ ખાનપુર તાલુકામાં 104.09 મીમી, જ્યારે સીઝનનો સૌથી ઓછો વરસાદ કડાણા તાલુકામાં 58.18 મીમી અને સંતરામપુર તાલુકામાં 59.81 ટકા વરસાદ વરસ્યો છે.