મહીસાગર : અંદાજે સાડા છ કરોડ વર્ષ પહેલા મહીસાગરના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામના 52 હેક્ટરના જમીન વિસ્તારમાં મહાકાય ડાયનોસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં હતી.
2003માં અહીંથી નવી પ્રજાતિઓ પણ શોધી કાઢવામાં આવી હતી. આ પ્રજાતિઓ ટાયરેનોસોરસ રેક્સ કુળની હતી. તેના ઈંડા એટલા વિશાળ હતા કે તેનું રાજાસોરસ 'નર્માન્ડેન્સિસ- નર્મદાના રાજા' એવું નામ આપવામાં આવ્યું હતું. જેના હાડકા નર્મદાના કિનારાના સ્થળ પરથી પ્રાપ્ત થયા હતા. 2003માં હાડકા મળ્યા હતા. જેમાં મગજના હાડકાં, કરોડરજ્જુના હાડકા, થાપાના હાડકા, પગ અને પુંછડીના હાડકાનો સમાવેશ થાય છે. અહીં ડાયનોસોરના મ્યુઝિયમનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે આઠ માસ પહેલા થયું હતું.
1983માં આ જગ્યા પર ડાયનાસોરના જીવાસ્મ મળ્યા હતા. ડાયનાસોરના 10 હજાર ઈંડાના અવશેષ પણ મળ્યા હતા. તેના જીવાસ્મ (ફોસિલ) અવશેષો થીજીને પથ્થર બની ગયેલા ઈંડા અને વિવિધ સંશોધનો અને વણી લઈને વિશ્વનો ત્રીજો અને ભારતના પ્રથમ ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન બનાવવામાં આવ્યો છે અને ઉધાનની સાથે અદ્યતન ટેકનોલોજીનો વિનિયોગ કરીને 10 ગેલેરી ધરાવતુ સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે.
જેમાં વિશ્વની ગુજરાતની અને રૈયોલી ડાયનાસોર પ્રજાતિઓની ઉદ્ભવથી વિલુપ્તી સુધીના વિજ્ઞાન અને ઇતિહાસની જાણકારી મેળવી શકાય છે. દેશનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો આ ડાયનોસોર પાર્ક પર્યટકોમાં ખૂબ જ આકર્ષણ બન્યો છે અને પર્યટકોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. અત્યાર સુધીમાં 93827 પર્યટકોએ અને 48913 વિદ્યાર્થીઓ-બાળકોએ ડાયનોસોરની પાર્કની મુલાકાત લેતા કુલ આઠ માસની અંદર 142740 મુલાકાતીઓએ ડાયનોસોર પાર્કની મુલાકાત લીધી છે.
આ ડાયનોસોર મ્યુઝિયમમાં વૃક્ષોના માળખા, ટોપોગ્રાફી અને પ્રાગૈતિહાસિક થીમ પર જંગલ જેવું વાતાવરણ રચવામાં આવ્યું છે. મૂળ કદ કરતા લગભગ નાના લગભગ 50 જેટલા સ્કલ્પચર્ચ બનાવીને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જે યુગમાં ડાયનોસોરના અંદાજિત આકાર અને કદના વર્ણન કરે છે. મ્યુઝિયમની શરૂઆતમાં જ મુકવામાં આવેલા રાજાસોરસ લાઈફ સાઈઝના સ્કલ્પચર્ચથી મુલાકાતીઓ મંત્ર મુગ્ધ બન્યા છે. વિભિન્ન 10 ગેલેરીઓમાં ફેલાયેલું આ મ્યુઝીયમ એક સઘન માહિતી કેન્દ્ર સમાન છે.
આ મ્યુઝીયમમાં ડિજિટલ પ્રિન્ટ અને સ્વરૂપે વિવિધ ભારતીય તેમજ વૈશ્વિક ડાયનોસોરની પ્રજાતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. 3D પ્રોજેક્શન મેપિંગ, 3D ગેલેરી સ્ટીરિયોસ્કોપીક, 360 ડીગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી, ઇન્ટરેક્ટિવ ગેમીંગ કોન્સોલ, ઇન્ટરેક્ટિવ કીઓસ્ક વગેરે જેવી અત્યાધુનિક ટેકનોલોજીના માધ્યમથી મુલાકાતીઓને પ્રાગ ઐતિહાસિક યુગની સફર માણી શકાય છે. આ મ્યુઝિયમમાં એક કિડ્સ ઝોન પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેના લીધે ડાયનાસોરને સમજવા માટે યુવા માનસને જરૂરી જીજ્ઞાસુ વાતાવરણ મળી રહેશે તેમજ સેન્ટર કોલ યાર્ડમાં આવેલ એન્ટ્રીયમએ ડાયનોસોરની દુનિયાની ઝાંખી કરાવે છે.આ મ્યુઝિયમમાં મુલાકાતીઓ સેલ્ફીની મજા પણ માણી શકશે.