મહીસાગરઃ કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે, તે માટે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ અને આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે. આ આરોગ્ય કર્મીઓ ગામેગામ ફરીને ડોર ટુ ડોર સર્વેલન્સની સાથે આરોગ્યલક્ષી શિક્ષણ આપી રહ્યા છે. જે અંતર્ગત લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય કર્મીઓ દ્વારા હોમ આઇસોલેટ કરવામાં આવેલા દર્દીઓની મુલાકાત લેવામાં આવી હતી.
આરોગ્ય કર્મીઓએ તેમની મુલાકાત દરમિયાન તમામ દર્દીઓનું થર્મલ સ્ક્રીનિંગ અને SPO2ની તપાસણી કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન તમામને જરૂરી આરોગ્યલક્ષી સૂચનાઓ આપી કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવા તેમજ ફરજિયાત માસ્કનો ઉપયોગ કરવા અને વારંવાર સાબૂથી હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અંગે જણાવ્યું હતું.