લુણાવાડા 2017ની વિધાનસભા ચૂંટણીમાં 122 વિધાનસભા બેઠક પરથી અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય રતનસિંહ રાઠોડ ચૂંટણી જીત્યા બાદ ભાજપાને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ 2019ની લોકસભાની ચૂંટણી વખતે ભાજપા દ્વારા રતનસિંહ રાઠોડને પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ટિકિટ આપતા તેનો ભવ્ય વિજય થયો હતો. સાંસદ બનતા તેઓએ લુણાવાડાના ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપ્યું હતું. જેના લીધે ખાલી પડેલી 122 લુણાવાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી 21 ઓક્ટોબરના રોજ થવાની છે. આ બેઠક પર કુલ 357 મતદાન મથક પર 1 લાખ 38 હજાર 20 પુરુષ મતદારો જ્યારે 1 લાખ 31 હજાર 87 સ્ત્રી મતદારો થઇ કુલ 2 લાખ 69 હજાર 107 મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે.
લુણાવાડા વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધારે OBCના 35 ટકા મતદારો જ્યારે બીજા નંબર પર 20 ટકા પાટીદાર મતદારો છે. લુણાવાડા વિધાનસભા બેઠક પર જાતિવાદ આધારિત બેઠક નથી. આ બેઠક પર OBC મતદારો વધુ હોવા છતાં 2007 અને 2012માં ભાજપાના OBCનેતા અને 2002માં ધારાસભ્ય બનેલ કાળુંભાઈ માલીવાડને કૉંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ પટેલે હરાવ્યા હતા. જ્યારે 2017માં કોંગ્રેસ દ્વારા સીટીંગ ધારાસભ્ય હીરાભાઈ પટેલને ટિકિટ આપી ન હતી. તેમજ OBCનેતા અને જિલ્લા પંચાયતના તે વખતના શિક્ષણ સમિતિના ચેરમેન રતનસિંહ રાઠોડે પણ કોંગ્રેસ પક્ષમાં ટિકિટ માંગી હતી.
કોંગ્રેસે તેમને પણ ટિકિટ નહીં આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ દિગ્વિજયસિંહના જમાઈ અને સંતરામપુરના પૂર્વ ધારાસભ્ય અને આયાતી ઉમેદવાર પરમદિત્યજીત સિંહને ટિકિટ આપી હતી. જ્યારે ભાજપ દ્વારા પણ છેલ્લા સમયે OBC ઉમેદવારનું જાહેર કરેલું નામ રદ કરી મનોજ પટેલને ટિકિટ આપી હતી. બન્ને પક્ષ દ્વારા ટિકિટ ફાળવવામાં ભૂલ કરતા OBC નેતા અને કોંગ્રેસના રતનસિંહ રાઠોડે અપક્ષ ચૂંટણી લડ્યા હતા. જેથી તમામ OBC મતદારો પોતાના ઉમેદવાર સાથે અન્યાય થતા એક જુથ થઈ ગયા હતા. અને રતનસિંહ રાઠોડ રાજકીય અનુભવ અને OBCસમાજનું સમર્થન મળતા રતનસિંહ રાઠોડ ભાજપા અને કોંગ્રેસને હરાવી લુણાવાડા વિધાનસભા બેઠક જીતી ભાજપાને સમર્થન કર્યું હતું.
2019માં રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ભાજપાના સાંસદ બનતા લુણાવાડા વિધાનસભા બેઠક ખાલી પડતા લુણાવાડા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે. તેમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ મહીસાગર જિલ્લા પંચાયતના સભ્ય છે. જે ભાજપામાંથી ચૂંટાયેલા છે અને ભાજપા છોડી કોંગ્રેસમાં સામેલ થયા છે. તેમજ મહીસાગર જિલ્લા પંચાયતમાં આરોગ્ય સમિતિના ચેરમેન હતા. બે દિવસ અગાઉ આરોગ્ય સમિતિમાંથી રાજીનામુ આપ્યું છે. અને વિરણીયાના રહેવાસી છે. તેમજ OBC ઉમેદવાર છે. તેમજ જીજ્ઞેશ સેવક મહીસાગર જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ છે. અને લુણાવાડાના વતની છે અને વર્ષોથી ભાજપા સાથે જોડાયેલ છે.
ત્યારે જોવાનું એ છે કે, કોંગ્રેસ અને ભાજપા બન્ને 2017માં કરેલ ભૂલ સુધારશે ? અને બન્ને પક્ષ કયા ઉમેદવારને ટિકિટ આપશે. ઉલ્લેખનીય છે કે,લુણાવાડા નગરપાલિકા કોંગ્રેસ શાસિત છે. બીજી ટર્મમાં કોંગ્રેસના કેટલાક સદસ્યોએ ભાજપાને સમર્થન કરતા મહીસાગર જિલ્લા પંચાયત અને લુણાવાડા તાલુકા પંચાયતમાં ભાજપાનું શાસન છે.