ગુજરાત રાજ્યની કચેરી સંચાલિત મહીસાગર જિલ્લામાં કુલ 11 આયુર્વેદિક દવાખાના આવેલા છે. જેમાં વિરપુર તાલુકાના ખેરોલીમાં ફરજ બજાવતા આયુર્વેદિક તબીબ સંજય ભોઈ છેલ્લા ઘણાં સમયથી અલગ અલગ પ્રકારના હઠીલા રોગોની શુદ્ધ આયુર્વેદિક પદ્ધતિથી નિદાન અને સારવાર કરી પોતાની સેવા આપી રહ્યા છે. તેઓની આ સેવા દરમિયાન તેમને સાંધાના રોગો પેટના રોગો તેમજ આંખ નાક કાન ગળાના રોગોના અસંખ્ય દર્દીઓ તપાસી અને તેઓની આયુર્વેદિક સારવાર કરી. તેઓ નાડી વિદ્યા સાથે તેમની વિશેષ પ્રાચીન સારવાર અગ્નિકર્મ- વિધ્યકર્મ માટે ખૂબ જાણીતા છે. તેમના દ્વારા આ સારવાર લેવા છેક મુંબઈથી લોકો વિરપુર ખાતે આવે છે.
આ ઉપરાંત તેઓ ઇન્જેક્શન એનેસ્થેશિયા વગર દાંત પણ પાડવા પણ નિષ્ણાત છે. આ માટે તેઓ સમગ્ર જિલ્લામાં જુદી જુદી જગ્યાએ અવારનવાર આયુર્વેદિક નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન પણ કરતા હોય છે. થોડા સમય પહેલા તેઓએ નાક બંધ થવાના વિવિધ કારણો અને તેની સારવારની પ્રાચીન પદ્ધતિ વિવિધ ધર્મ પર એક ઓપન લેબલ રેન્ડમાઈઝડ કંટ્રોલ ક્લીનીકલ સ્ટડી કર્યું. જેના ખૂબ સારા પરિણામ મળ્યા અને તેઓએ આ રિસર્ચ ધ એસોસીએશન ઓફ શાલાકી દ્વારા આયોજિત પાંચમી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પૂના ખાતે પ્રદર્શિત કર્યું. જેને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મળી હતી. જે સમગ્ર મહિસાગર જિલ્લા માટે ગૌરવની બાબત છે.
વૈદ્ય સંજય ભોઈ જણાવે છે કે, આપણા શરીરને પરેશાન કરતા 90 ટકા રોગો આપણા અનિયમિત ખાનપાન અને રહેણી કરણીથી થતા હોય છે. વધુ પડતુ મીઠું, ગળપણ, અને મેંદાનો ઉપયોગ તથા રાતના ઉજાગરા વગેરે છે. આ જમાનામાં આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી રોગને મટાડવાની સાથે સ્વસ્થ રાખવાનું કામ કરે છે. સુશ્રુત સંહિતામાં વર્ણવવામાં આવેલા વિધ્યકર્મ તરત જ રાહત આપે છે. તે હવે સાબિત થઈ ગયું છે એટલે આયુર્વેદ ધીમે ધીમે અસર કરે છે એ માનવું ભૂલભરેલું છે.