- ઘર્મપ્રિયદાસજી મહારાજની ઉપસ્થિતિમાં યુગપુરૂષ યુવાસંવાદ
- સ્વામી વિવેકાનંદજી પર પ્રવચન આપ્યું
- યુવાનોને મહાનુભાવોના હસ્તે કીટનું વિતરણ
મહીસાગર : સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ અવસરે બાલાસિનોર નગરપાલિકા હોલ ખાતે સત કૈવલ સંપ્રદાયના ઘર્મપ્રિયદાસજી મહારાજની ઉપસ્થિતિમાં યુગપુરૂષ યુવાસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોવિડ-19 ને ધ્યાનમાં રાખીને બેઠક વ્યવસ્થા સાથે યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાઓને ધર્મપ્રિયદાસજી મહારાજે યુવાસંવાદ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદજીના જીવન અને વિચારો પર પ્રવચન આપ્યું હતું.
સ્વામી વિવેકાનંદ એક યુગ પુરુષ
ધર્મપ્રિયદાસજી મહારાજે જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદ એક યુગ પુરુષ હતા. એમનું જીવન, તેમના વિચારો, તેમના કાર્યો યુગો સુધી ચાલતા રહેશે. તેઓએ મુશ્કેલી ભર્યું જીવન જીવીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પોતાના વિચારોને પહોંચાડ્યા હતા અને દેશ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમણે એવો સંદેશો આપ્યો છે કે, આપણું જીવન આપણી માતૃભૂમિ માટે સમર્પિત થવું જોઈએ. દરેક યુવાન જાગ્રત થાય અને દેશ માટે સમર્પિત બને, આપણે સૌ આત્મભાવે એક બનીને રહીએ.
આજનો યુવાવર્ગ વ્યસનમુક્ત અને ચારિત્રવાન બને
આજનો યુવાવર્ગ વ્યસની બન્યો છે, વધુ પડતો સમય મોબાઈલ પાછળ વેડફે છે. ત્યારે આજની પેઢી વ્યસનમુક્ત બને, ચારિત્રવાન બને, આપણે સૌ સ્વામી વિવેકાનંદજીના વિચારો સાથે ચાલવાનો સંકલ્પ કરીએ.
યુવાનોને રમતગમતની કીટનું વિતરણ
આ કાર્યક્રમ પ્રસંગે મહીસાગર જિલ્લા સંગઠન ઉપપ્રમુખ, પૂર્વ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, શહેર યુવા ઉપપ્રમુખ પાર્થ પાઠક, જિલ્લા રમત ગમત સિનિયર કોચ દક્ષેશ કહર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને મહાનુભાવોના હસ્તે ચેસ, વોલીબોલ, ફુટબોલ, ફુલ રેકેટની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.