લુણાવાડા: ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ ક્યાં ક્યાં ફેલાયું છે એ જાણવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના નેતૃત્વમાં મે-2020 માં પ્રથમ તબકકાનો નેશનલ કોવિડ સેરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
આ સર્વે કરવા માટે દેશના વિવિધ રાજ્યોના 60 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. આ સર્વે અંતર્ગત દરેક જિલ્લામાંથી રેન્ડમલી 400 લોકોના સેમ્પલ મળી 24,000 લોકોના સેમ્પલ લેવામાં આવનાર છે. આ સેમ્પલ લેવામાં આવ્યા બાદ તેનો એન્ટી બોડી ટેસ્ટ કરાશે. જેના ઉપરથી જાણવા મળશે કે દેશની વસ્તીમાં કેટલી હદ સુધી કોરોના વાઇરસ ફેલાયો છે.
આ એન્ટી બોડી ટેસ્ટ વ્યક્તિના લોહીના નમુનાથી મહત્વપૂર્ણ જાણકારી આપે છે. જે કોઈ વ્યક્તિ આ વાઇરસના ઈન્ફેક્શનનો ભોગ બન્યો હતો કે નહીં તેની પણ જાણકારી આપે છે. એન્ટીબોડી એ હકીકતમાં એક પ્રોટીન્સ છે. જે ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.
આ સર્વે અંતર્ગત મહિસાગર જિલ્લાની પસંદગી થતા જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની રાહબરી હેઠળ મે-2020 માં પ્રથમ તબકકાની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વેની કામગીરી હાથ ધરવા માટે જિલ્લા ક્ષય અધિકારી એચ.વી.પરમારની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
મહિસાગર જિલ્લામાં પ્રથમ તબકકાની હાથ ધરવામાં આવેલા સર્વેની કામગીરી રેન્ડમલી જિલ્લાના નવ ગામો અને બાલાસિનોર અર્બનની પસંદગી કરવામાં આવી હતી. જિલ્લાના જે નવ ગામોની પસંદગી કરવામાં આવી હતી. તેમાં ફળવા, ઉખરેલી, માળ, નાના વડદલા, માખલીયા, લકડીપોયડા, વઘાસ, ફતાજીના ભેવાડા, ઘાટીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમજ ગામોમાં પુન:બીજા તબકકાની સેરો સર્વેની કામગીરી 31 મી ઓગસ્ટ અને 1 લી સપ્ટેમ્બર, 2020 ના રોજ હાથ ધરીને આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
મહિસાગર જિલ્લામાં નેશનલ કોવિડ સેરો સર્વે અંતર્ગત હાથ ધરવામાં આવેલા કામગીરીની વિગતો આપતા નોડલ અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી એચ.વી.પરમારે જણાવ્યું કે, જિલ્લામાં રેન્ડમલી પસંદગી કરવામાં આવેલા દરેક ગામમાંથી 40-40 મળી કુલ 400 સેમ્પલ લેવામાં આવ્યા છે. આ દરેક ગામની મુલાકાત દરમિયાન સર્વેની કામગીરીમાં ICMR અને રાજ્ય-જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સાથે હતી. કામગીરી દરમિયાન દરેક ગામમાં વસવાટ કરતાં રહેવાસીઓની મુલાકાત લઇ ગામની ચારેય દિશાઓમાંથી રેન્ડમલી વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી. જે દરમિયાન દરેકને તેની સમજ આપવાની સાથે કુટુંબમાં રહેતા 10 વર્ષથી ઉપરના વ્યક્તિઓ સ્ત્રી-પુરુષની માહિતી એકત્ર કરીને તેને મોબાઇલ એપ્લિકેશનમાં વિગતો ભરવામાં આવતી હતી.
જે વ્યક્તિઓના સ્થળ ઉપર બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે સેમ્પલમાંથી સીરમ સેમ્પલ છુટું પાડી આ સીરમ સેમ્પલ કોલ્ડ ચેઈનમાં અમદાવાદ મોકલી આપવામાં આવેલા છે. જ્યાંથી આ સેમ્પલ ચેન્નાઈ સ્થિત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચ ઇન ટ્યુબરક્યુલોસિસ (NIRT) અને ICMR નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એપિડેમાયોલોજી (NIE) ની પ્રયોગશાળામાં મોકલવામાં આવશે. આ ટેસ્ટ કરવા પાછળનો મુખ્ય હેતુ SARS COVID-19 ની એન્ટી બોડીની ખબર પડવાની સાથે તેના કોમ્યુનિટીમાં ઇન્ફેકશન અંગેની જાણકારી મળી રહે છે. જે કોમ્યુનિટીમાં COVID-19 નો સામનો કરવા ટેસ્ટીંગ, કોન્ટેક્ટ ટ્રેસીંગ વિગેરે બાબતોની રૂપરેખા (સ્ટ્રેટેજી) ઘડવામાં પણ મદદરૂપ થઈ શકશે. આ સમગ્ર કામગીરી ICMR અને રાજ્ય આરોગ્ય વિભાગના સહયોગથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે.
આ સર્વેનો મુખ્ય ઉદ્દેશ દેશના વિવિધ જિલ્લાઓમાં ઇન્ફેક્શનની જાણકારી મેળવવાનો છે. જેમાં ટેસ્ટિંગ માટે પૂણેની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી (NIV) એ બનાવેલી કોવિડ કવચ એલિસા કિટ્સનો ઉપયોગ કરવામાં આવશે. આ એન્ટિબોડીઝ ટેસ્ટ વસ્તીમાં કોરોના કેટલી હદ સુધી ફેલાયો છે તેની જાણકારી મેળવવા માટે કરવામાં આવી રહ્યો છે.
જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ મહીસાગર જિલ્લામાં બીજા તબકકામાં હાથ ધરવામાં આવેલા નેશનલ સેરો સર્વેલન્સની કામગીરી બે દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ જિલ્લા-તાલુકાના આરોગ્ય કર્મચારીઓની ટીમની કામગીરીને બિરદાવી હતી. તેમજ રાજય અને ICMR ની ટીમે પણ જિલ્લાની આ ટીમની સર્વેલન્સનની કામગીરીથી સંતોષ વ્યકત કર્યો હોવાનું જણાવ્યું છે.