ભુજ: સૌથી વધુ ચર્ચા ભુજ પાલિકાની એટલા માટે છે કેમ કે, ગત પાંચ વર્ષમાં ભુજમાં લોકો અનેક સમસ્યાથી ત્રસ્ત રહ્યા છે અને તે રોષને ડામી ભાજપે વિકાસ કરવાનો છે. ત્યારે હવે ભુજ નગરપાલિકાનું સુકાન પ્રથમ અઢી વર્ષ કોને મળશે તેના પર સૌની નજર છે. શું અનુભવને અગ્રતા અપાશે કે પછી નવા ચહેરાને તક આપીને નવા વિઝનથી ભુજ પાલિકાના નવા પ્રમુખ અને કારોબારીની રચના થશે, તે જાણવું રહ્યું.
કોણ કોણ છે પ્રમુખની રેસમાં અને કોને મળશે કારોબારીમાં સ્થાન?
ભુજ નગરપાલિકામાં ભાજપે 44માંથી 36 બેઠકો કબજે કરી હતી. પરંતુ પ્રમુખ પદ ઉપર કબજો જમાવવા ભાજપના 36 નગરસેવકોમાંથી 8 જેટલા નગરસેવકો દોડમાં છે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલની પસંદગીનું સંભવિત એક નામ વિશેષ ચર્ચામાં રહ્યું હતું. જોકે, આ વખતે જે નામો ચર્ચામાં છે, તે આ મુજબ છે.
ધનશ્યામ રસિકભાઇ ઠક્કર: ભાજપના મિડીયા ઇન્ચાર્જ એવા ઘનશ્યામ ઠક્કર જુના જનસંધી રસિકભાઇ ઠક્કરના પુત્ર છે. ચુંટણી પહેલા ભાજપે નામો જાહેર કર્યા ત્યારે ધનશ્યામ ઠક્કર દાવેદારની રેસમાં ન હતા અને ભાજપના સૂત્રોનું માનીએ તો ચોક્કસ ગણિત સાથે જ તેને મેદાને ઉતારાયા છે. તેથી પ્રમુખ તરીકેની રેસમાં તેઓ સૌથી આગળ છે. તમામ ઉમેદવારોમાં તે સૌથી સિનીયર પણ છે. જેથી પાલિકાના સુકાન માટે તેમનું નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે.
જગત(જલધી) વ્યાસ: કચ્છ ભાજપે પાલિકા ચુંટણીમાં માત્ર 8 વ્યક્તિઓને રીપિટ કર્યા હતા. જેમાં જગત વ્યાસનો પણ સમાવેશ થાય છે. ગત ટર્મમાં વ્યક્તિગત ખર્ચે પણ તેમણે લોકોની સમસ્યા દૂર કરવાના પ્રયત્નો કર્યા હતા. જીલ્લા ભાજપ પ્રમુખ,સાંસદ વિનોદ ચાવડા અને ભુજના ધારાસભ્ય તેમના નામ સામે વિરોધ ન દર્શાવે તેવા સંજોગોમાં તેમને તક મળી શકે.
અશોકભાઇ પટેલ: વોર્ડ નંબર 11માંથી પાલિકાનું નેતૃત્વ કરતા અશોક પટેલને ફરીથી રિપીટ કરાયા છે. પાછલા 5 વર્ષોમાં પાલિકાની કામગીરીમાં તેમણે વ્યક્તિગત રીતે ભુજ શહેરના વિકાસની ચિંતા કરી છે અને અંગત રસ લઇને લોકોના પ્રશ્ર્નોને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલના તેઓ ખાસ વિશ્વાસુ છે અને અનુભવી પણ છે. તેવામાં જીલ્લા પ્રમુખ તરીકે અથવા અન્ય મહત્વના સ્થાને તેમની નિમણુંક થઈ શકે તેમ છે.
ધનશ્યામ સી ઠક્કર: ભુજ પાલિકામાં અગાઉ કાઉન્સીલર અને વોટર સમિતીના ચેરમેન રહી ચુકેલા ધનશ્યામ સી. ઠક્કર પણ પ્રમુખ પદની રેસમાં છે. પરંતુ તેમના નામની શક્યતા ઓછી છે. જો કે ભુજના ધારાસભ્યોના અંગત એવા ધનશ્યામ ઠક્કર પ્રમુખ તરીકે આવે તો નવાઇ નહી. પ્રમુખ પદ નહી મળે તો કોઇ મહત્વની શાખામાં ચેરમેન પદ મળે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે.
મહિદીપસિંહ જાડેજા: બે ધારાસભ્યો ક્ષત્રિય હોવાથી હવે જ્ઞાતિગત સમીકરણો મુજબ મહિદીપસિંહ પ્રમુખ બને તેવી શક્યતા નહીવત છે. મહિદીપસિંહ ગત ટર્મમાં કારોબારી ચેરમેન બને તે માટે ભરપુર પ્રયત્નો થયા હતા. મહિદીપસિંહને રીપીટ કરાતા તેમને પણ કોરોબારીમા સ્થાન મળે તેવી પુરી શક્યતા છે.
સંજય ઠક્કર: પુર્વ નગરપતિનાં ભાઇ સંજય ઠક્કર પણ પ્રમુખ માટે દાવેદાર ગણી શકાય, પ્રમુખ નહીં તો કારોબારીમાં સ્થાન મળે તેવી પૂરી શક્યતાઓ રહેલી છે.
પ્રમુખ કરતા કારોબારી ચેરમેન પદ માટે વધુ ખેંચતાણ
ગત ટર્મની જેમ આ વખતે આંતરિક જૂથવાદની શક્યતા નહિવત છે. પરંતુ ચોક્કસ ભાજપ માટે સુકાની શોધવો એક પડકાર રહેશે. જેમાં 3 નામો હાલમાં મોખરે છે. જે નિમણુકો થશે તે ચોક્કસપણે વિધાનસભાના સમીકરણોને ધ્યાને રાખીને થશે. જો કે, ભુજમાં પ્રમુખ કરતા કારોબારી ચેરમેન પદ માટે વધુ ખેંચતાણ ચાલી રહ્યું છે.