કચ્છ : ભુજ ખાતે જિલ્લા કલેકટરને રજૂઆત સાથે આ વેપારીઓએ જણાવ્યું હતું કે, લોકડાઉન સાથે સમગ્ર સમાજ જનજીવન આર્થિક ગતિવિધિઓ સૌ કોઇને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, પણ અનલોકની દિશામાં કદમ માંડ્યા પછી ધીમે ધીમે આ તમામ પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ ગઈ છે. લગ્ન વિવિધ, ધાર્મિક, સામાજિક કાર્યક્રમ અંગેના નિયમોના પાલનને કારણે ખાસ કરીને મંડપ સર્વિસ, કેટરિંગ અને ફોટોગ્રાફિનો વ્યવસાય કરતા લોકોને હાલત કફોડી બની છે. લોકડાઉન વચ્ચેના સમયમાં લગ્નની આખી સિઝન પૂર્ણ થઈ હતી. હવે નવી સિઝન આવી રહી છે, પણ લગ્નમાં ચોક્કસ સંખ્યામાં ઉપસ્થિત રહેવા સહિતના નિયમોના પગલે આ ધંધાર્થીઓની હાલત હજૂ જેમની તેમ છે.

ફોટોગ્રાફર ચત્રભુજે જણાવ્યું હતું કે, હાલે લગ્નમાં માત્ર 50 વ્યક્તિઓની હાજરી માટે છૂટ મળી છે. તેથી લગ્ન સાદાઈથી થાય છે. ફોટોગ્રાફર, વીડિયોગ્રાફર વગેરેને આ કારણે બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા હોલમાં 500ની ક્ષમતા સામે 50 ટકા ઉપસ્થિતિ અને એક દિવસની જગ્યાએ વધુ દિવસો લગ્ન કરવાની પરવાનગી આપય તો જ આ ધંધાર્થીઓને રાહત મળે તેમ છે.

મંડપ એસોસિએશનના રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકીય કાર્યક્રમમાં 100 લોકોને ઉપસ્થિત રહેવાની મંજૂરી છે, પણ લગ્નમાં 50 લોકોને મંજૂરી આપવામાં આવી છે, આ ભેદભાવ યોગ્ય નથી. આ રીતે જ રહેશે તો ધંધાર્થીઓ સાથે મળીને કોઈ પણ રાજકીય સરકારી કાર્યક્રમોમાં તમામ પ્રકારની સેવાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે તંત્રને લેખિતમાં જાણ પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા શહેરમાં વિવિધ જગ્યાએ આ વેપારીઓએ બેનર લગાવીને રોજગારી આપવા માટે વિવિધ નિયમોમાં રાહત આપવાની માગ કરવામાં આવી હતી
