નવરાત્રિ મહોત્સવના આયોજન માટે નાયબ કલેકટર કક્ષાએ ત્રણ જેટલી બેઠકો યોજાઇ હતી. જેમાં અલગ અલગ સરકારી વિભાગોને જવાબદારીઓ સોંપાઇ, પણ ઉભરાતી ગટરની સમસ્યા હજુ યથાવત છે. સરકારી તંત્રે કાગળ ઉપર સુંદર આયોજન કર્યું છે, અમલવારી ક્યાંય દેખાતી નથી. ગંદકીનું મુખ્ય કારણ પંચાયતની ગટર યોજના છે. આ ગટર અવાર નવાર ઉભરાતાં યાત્રિકોને પરેશાની વેઠવી પડે છે. ગ્રામ પંચાયત પાસે પૂરતા સાધનોનો અભાવ છે. ગટરની સફાઇ કરી શકે તેવા નિષ્ણાતાનો સ્ટાફ પણ નથી.
માતાના મઢ પંચાયતના સરપંચ સુરેન્દ્રસિંહે ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, મંદિરના મુખ્ય માર્ગ પર જ્યાંથી ભાવિકો દર્શને જાય છે, ત્યાં જ ગટર ઉભરાઈ રહી છે. મરમ્મત અવાર નવાર કરાય છે, પણ પૂરતા સાધનો તેમજ સ્ટાફ અમારી પાસે નથી. જેથી સચોટ કામગીરી કરી શકાતી નથી. આ ઉભરાતી ગટર યોજના માટે જિલ્લા પંચાયતથી લઇ ગાંધીનગર સુધી રજુઆતો પત્ર દ્વારા કરાઇ છે, પણ આજ દિવસ સુધી ઉભરાતી ગટર યોજના માટે પગલાં લેવાયા નથી.
તંત્રની બેઠકમાં માંડવી પાલિકાને મદદ કરવાનું કહેવાયું હતું, પણ માંડવી પાલિકાએ આ જવાબદારી લેવાની ના પાડીને મશીન ન હોવાનું કહ્યું છે, તો ભુજ પાલિકાએ પણ મશીન ખરાબ હોવાનું જણાવીને ખાનગી મશીનની મદદ મોકલીએ તેમ જણાવ્યું હોવાની વિગત મળી છે. હવે લાખો ભાવિકો જ્યારે પહોંચવાની દિવસો બાકી છે, ત્યારે જો સમસ્યા નહીં ઉકેલાય તો લોકો પરેશાની તો ભોગવશે પણ રોગચાળાને પણ આમંત્રણ મળશે, તેવી સ્થિતી હોવાનું ગ્રામજનો કહી રહ્યાં છે.