ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સ ફાઇનલમાં હારી ગયેલા ચિત્રાક્ષ માટે સ્પર્ધાત્મક મેચ રહી હતી. જ્યારે કૌશાએ બેવડી સિદ્ધિ હાંસલકરી હતી. કૌશાએ અગાઉ યૂથ ગર્લ્સ ટાઇટલ પણ જીત્યું હતું. જુનિયર ગર્લ્સની ફાઇનલમાં કૌશા ફરી એક વાર સુરતની ફિલઝાહ ફાતીમા કાદરી સામે ટકરાઈ હતી. યૂથ ગર્લ્સની ફાઇનલમાં પણ તેઓ સામસામે હતા. જ્યાં અમદાવાદી ખેલાડીએ 4-0થી વિજય હાંસલ કર્યો હતો. જુનિયર ગર્લ્સની ફાઇનલમાં પણ પરિણામમાં કોઈ ફરક પડ્યો ન હતો. આ વખતે કૌશાએ 11-4 13-11 11-9 11-7થી સીધી ગેમમાં વિજય હાંસલ કર્યો હતો.
કેડેટ ગર્લ્સની ફાઇનલમાં ભાવનગરની રિયા જયસ્વાલે અમદાવાદની જિયા ત્રિવેદીને 11-7 11-3 17-15 9-11 11-5થી હરાવી હતી. રિયાએ સર્વ અને આક્રમક રણનીતિ અપનાવી હતી. તેણે હેવી ટોપ સ્પિન અને લૂપથી જિયાને બ્લોક કરી દીધી હતી. રિયા માટે આ વર્ષનું આ બીજું ટાઇટલ છે. અગાઉ તેણે સુરતમાં ટાઇટલ જીત્યું હતું.
અમદાવાદના હિમાંશ દહિયાએ તેના જ શહેરના આર્યન પટેલને 11-4 11-7 11-3 11-7થી હરાવ્યો હતો. બંને સાથે પ્રેક્ટિસ કરતાં હોવાથી હિમાંશ તેના હરીફ આર્યનની રમતને સારી રીતે જાણતો હતો. હિમાંશે આર્યનને બેકહેન્ડનો સારી રીતે સામનો કરીને કેટલાક પોઇન્ટ મેળવ્યા હતા.
આ ટુર્નામેન્ટમાં કુલ 80,500 રૂપિયાના પુરસ્કાર એનાયત થયા હતા. ઇનામ વિતરણ સમારંભમાં કેડીટીટીએના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી વિમલ ગુજરાલ, અન્ય વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મહેશ ગુપ્તા, ટીટીએફઆઇના વાઇસ પ્રેસિડેન્ટ અને જીએસટીટીએના સેક્રેટરી શ્રી હરેશ સંગતાણી, કેડીટીટીએના સ્થાપક સદસ્ય શ્રી હરિ પિલ્લાઈ, કમલ અસનાની, મહેશ હિંગોરાણી, મનીષ હિંગોરાણી, પ્રશાંત બુચ, ગુસરૂખ સેઠના, કેડીટીટીએના સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ ચાર્મી પટેલ, જીતેશ ઠક્કર, ભૌમિક ઓઝા અને બી. એસ. વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.