ભુજઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યપ્રણાલી અનુસાર દર વર્ષે દિવાળી પૂર્વે ભારતીય કાર્યકારી મંડળની બેઠક દેશના કોઈ એક સ્થળે યોજાતી હોય છે. આ વર્ષે આ બેઠક કચ્છના ભુજમાં મળી રહી છે. ગત વર્ષે આ બેઠક પૂણેમાં મળી હતી.
ત્રીદિવસીય બેઠકઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ બેઠક 5થી 7 નવેમ્બર સુધી કચ્છી લેવા પટેલ સમાજના સરદાર પટેલ વિદ્યા સંકુલ, ભુજ ખાતે યોજાવાની છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડો. મોહન ભાગવત, સરકાર્યવાહક દત્તાત્રેય હોસાબલે અને કાર્યકારીણીના તમામ સભ્યો ઉપરાંત અખિલ ભારતીય અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. તેમજ સંઘની રચના મુજબ રચાયેલા 45 પ્રાંતોના પ્રાંતીય સંઘચાલક, પ્રાંતીય કાર્યકારી અને પ્રાંતીય પ્રચારક તેમના સહ અધિકારીઓ અને આરએસએસ અન્ય સભ્યો પણ ભાગ લેશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય જનતા પાર્ટી, અખિલ વિશ્વ વિદ્યાર્થી પરિષદ અને મજૂર સંગઠનો પણ આ બેઠકમાં જોડાશે.
મુખ્ય મુદ્દાઃ દર વર્ષે મળતી આ બેઠકમાં દેશ અને પ્રજાના હિતના મુદ્દાઓ પર ચર્ચા થાય છે. આ વર્ષે યોજનાર બેઠકમાં 22 જાન્યુઆરી,2024ના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે દેશભરમાં થનારા કાર્યક્રમો અંગે, વિજ્યાદશમીએ સરસંઘચાલકે કરેલા સંબોધન પર, દેશની વર્તમાન પરિસ્થિતિ પર, સામાજિક પરિવર્તન, સમરસતા, પર્યાવરણ જાળવણી, પાણીનો બચાવ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો, સ્વદેશી અપનાવોનો સંદેશ અને નાગરિક કર્તવ્યના સંદેશ પર વિસ્તૃત ચર્ચા થશે.
2025માં 100 વર્ષ પૂર્ણ થશેઃ ઉલ્લેખનિય છે કે વર્ષ 1925માં નાગપુરના મોહિતેવાડા મેદાન ખાતે 10થી 15 બાલ તરુણોથી રાષ્ટ્રીય સ્વયં સંઘનો પ્રારંભ થયો હતો. ડોક્ટર કેશવરાવ બલીરામ હેડગેવારે રોપેલું સંઘનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. સંઘની શાખા આજે દેશના અનેક ગામો સુધી વિસ્તરી છે. 2025માં આરએસએસને 100 વર્ષ પૂર્ણ થશે. તેથી ભુજ ખાતે યોજાનાર બેઠકમાં આ શતાબ્દી વર્ષ માટે નક્કી કરવામાં આવેલા લક્ષ્યાંકો પર સમીક્ષા પણ કરવામાં થશે.
દર વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યપ્રણાલી અનુસાર દર વર્ષે દિવાળી પૂર્વે ભારતીય કાર્યકારી મંડળની બેઠક દેશના કોઈ એક સ્થળે યોજાતી હોય છે. આ વર્ષે આ બેઠક કચ્છના ભુજમાં મળી રહી છે. આ બેઠકમાં ભાગ લેવા માટે આરએસએસ વડા ડૉ. મોહન ભાગવત અને અન્ય મહાનુભાવો ભુજ પધારી ચૂક્યા છે. અત્યારે તેઓ 5 નવેમ્બરે યોજાનાર બેઠક પહેલાની અનેક બેઠકોમાં ભાગ લઈ રહ્યા છે...સુનિલ આંબેકર(પ્રમુખ, અખિલ ભારતીય પ્રચાર સમિતિ, આરએસએસ)