કચ્છ : કુકમા સ્થિત શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગામ મઘ્યે આવેલ શ્રી રામકૃષ્ણ ગ્રામોદ્યોગ કેન્દ્ર ખાતે છેલ્લા 10 વર્ષથી ગાયના ગોબર તેમજ ગૌમૂત્રમાંથી 90 થી પણ વધુ વિવિધ વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. તહેવાર મુજબ અહીં રક્ષાબંધન સમયે રાખડી, દિવાળીના સમયે ગોબરમાંથી દિવડા બનાવવામાં આવે છે. ઉપરાંત છેલ્લા 6 વર્ષથી ગણેશચતુર્થીને ધ્યાનમાં રાખીને ગોબરમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં પણ આવે છે.
શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ : કચ્છના શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત પાંજરાપોળમાં 400 જેટલી ગાયનું પાલન પોષણ કરવામાં આવી રહ્યું છે. આ ગાયના ખોરાક માટે 100 એકરમાં ગાય આધારિત સજીવ ખેતી પણ કરવામાં આવે છે. ટ્રસ્ટના ગૌપ્રેમી કાર્યકરો દ્વારા ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને તેમાંથી ઘર સુશોભનની વિવિધ વસ્તુઓ તેમજ દવાઓ પણ બનાવવામાં આવે છે. છેલ્લા 6 વર્ષથી અહીં ગોબરમાંથી રાખડી, દીવડા અને ગણેશજીની મૂર્તિઓ પણ બનાવવામાં આવી રહી છે.
સંસ્થા પર્યાવરણનો બચાવ કરવા ગોબરમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે. જેમાં ગોબરમાંથી બનેલી ગણેશજીની મૂર્તિઓ સર્વોત્તમ છે. ગોબરમાંથી બનતી મૂર્તિ માટીની જેમ જ ઈકો ફ્રેન્ડલી હોય છે. હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. તો ગાયના ગોબરમાંથી બનતી વસ્તુઓ પણ પવિત્ર હોય છે. ત્યારે આ ગણેશજીની મૂર્તિ પોતે પણ પવિત્ર હોય છે. -- તેજસ પટ્ટણી (મેનેજર, શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ)
ગોબર અને ગૌમુત્રમાંથી નિર્મિત મૂર્તિ : આ અંગે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના મેનેજર તેજસ પટ્ટણીએ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ગણેશજીના વિસર્જન સમયે ઘરે પાણીના ટબમાં મૂર્તિને વિસર્જિત કરીને તે પાણી વૃક્ષોમાં નાખવામાં આવે તો વૃક્ષોને પણ સારી ફળદ્રુપતા મળે છે. ગાયના ગોબરમાં એન્ટી રેડીયેશન ગુણ હોવાથી આ મૂર્તિ હાનિકારક રેડિયેશનને પણ વ્યક્તિને દૂર રાખે છે. ઉપરાંત હકારાત્મક ઉર્જા પણ આપે છે. ગોબરમાંથી બનેલી મૂર્તિને નદી, તળાવ અથવા સમુદ્રના પાણીમાં વિસર્જિત કરવાથી તે પાણીની અંદર રહેતા જીવો અથવા વનસ્પતિને કોઈ પ્રકારનું નુકસાન પહોંચતું નથી. આપણી ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનો એક અનેરો મહોત્સવ છે. પરંતુ કમનસીબે તહેવારો બજારુ બની ગયા છે. તેમાં વિદેશી વસ્તુઓનો પગપેસારો થઈ ગયો છે. ત્યારે દેશી ગાયના ગોબરમાંથી બનેલી આ વસ્તુઓ થકી ગ્રામ્ય સંસ્કૃતિને પુનઃજીવિત કરવાનો પ્રયાસ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે.
દેશભરમાં મૂર્તિની માંગ : હાલમાં આ સંસ્થા દ્વારા ગોબરમાંથી 4 સાઈઝની મૂર્તિઓ બનાવવામાં આવે છે. જેમાં 2 ઈંચ, 6 ઈંચ, 10 ઈંચ અને 13 ઈંચની એટલે કે 1.5 ફૂટ જેટલી સાઈઝની મૂર્તિ બનાવવામાં આવે છે. ત્યારબાદ તેના પર થોડું રંગોનું કામ પણ કરવામાં આવે છે. મૂર્તિઓને સુશોભિત કરવામાં આવે છે. આ ગોબરમાંથી બનેલી મૂર્તિઓ કચ્છના વિવિધ તાલુકાઓ તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જાય છે. ઉપરાંત ભારતભરમાંથી આ મૂર્તિઓની માંગ હોવાથી સંસ્થા દ્વારા તેમના ઘરઆંગણે આ મૂર્તિઓ પહોંચાડવામાં આવે છે.