કચ્છની કુળદેવી માઁ આશાપુરાના મંદિરે માથું ટેકવવા માટે લાખો યાત્રિકો-પદયાત્રિકો માર્ગો પર ઉમટી પડયા છે. કચ્છના પ્રવેશ દ્વારા સામખિયાળીથી માતાના મઢ સુધીના માર્ગો પર અભુતપુર્વ રીતે લોકો પદયાત્રાએ નિકળ્યા છે. સામાન્ય રીતે નવરાત્રિના પહેલા દિવસે જ યાત્રિકો ભૂજ આવતા હોય છે. તેની જગ્યાએ આ વર્ષે લાખો લોકોએ અશ્ર્વિન નવરાત્રિના પ્રારંભ પહેલા જ માતાજીને માથૂ ટેકવવા પહોંચી રહ્યા છે.
કચ્છની પરંપરા સાથે માર્ગો પર પદયાત્રિકોની સેવા માટે ઠેરઠેર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. તો માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા પણ મંદિરમાં ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે. માતાજીના દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા ઉપરાંત લાખો માઈ ભકતોની ભીડને પહોંચી વળવા મંદિર પટાંગણમાં 24 હજાર ફુટ રેલિંગ, 250 જેટલા સ્વંય સેવકો, 50થી વધુ મોટા મંડપ, સહિતની સુવિધા રખાઈ છે. પોલીસ વિભાગના બંદોબસ્ત ઉપરાંત જાગીર દ્વારા ખાનગી સુરક્ષા, સીસીટીવી કેમેરા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મુબઈ સ્થિત ઓધવરામ સેવા સમિતિ દ્વારા ભોજન વ્યવસ્થા સહિતની સુવિધા રાખવામાં આવી છે.
આ વર્ષે અંદાજે 8 લાખ યાત્રાળુઓ મંદિરમાં દર્શનાર્થે આવે તેવી શકયતા છે. આ વર્ષે ખાસ સફાઈ પર વિશેષ ધ્યાન અપાયું છે. જયારે માતાના મઢ ખાતે પ્લાસ્ટીકના ઉપયોગ પર પ્રતિબંધ રખાયો છે. કચ્છના વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓના પરીવહન, સુરક્ષા સહિતના વિવિધ આયોજન કરવામાં આવ્યા છે અને ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા કચ્છભરમાં વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.