કચ્છ : માતાના મઢ પદયાત્રા કરીને જતા શ્રદ્ધાળુઓ માટે સેવાભાવી દાતાઓ અને સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ યોજવામાં આવતા હોય છે. ત્યારે આ વર્ષે સરકારના મિલેટ યોજના અંતગર્ત પદયાત્રીઓ માટે પણ મીલેટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા જાતના કઠોળના ચાટ પદયાત્રીઓને આપવામાં આવી રહી છે. જેથી કરીને લાંબુ અંતર કાપવા માટે પદયાત્રીઓને શક્તિ મળી રહે અને તંદુરસ્તી પણ જળવાઈ રહે.
"માં આશાપુરાના પવિત્ર યાત્રાધામ માતાના મઢ જતા પદયાત્રીઓની સેવામાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને માં ભારતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી નારી શક્તિ વંદન પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માતાના મઢે દર્શને જતા પદયાત્રીઓ, વાહન ચાલકો માટે ભુજ તાલુકાના મિરઝાપર પાસે કચ્છ સાંસદ વિનોદ ચાવડાના પ્રેરણા અને માર્ગદર્શનમાં આ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.કચ્છનાં કુળદેવી માં આશાપુરાના મઢ માતાનામઢ મંદિર નવરાત્રિ દરમિયાન લાખો શ્રધ્ધાળુઓ શીશ ઝુકાવવા માટે પદયાત્રા એ જાય છે. ત્યારે સેવા ભાવના અને શ્રધ્ધાળુઓને પ્રેરક બળ પૂરું પાડવા માટે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે."-- વિનોદ ચાવડા (સાંસદ)
પદયાત્રીઓ માટે મિલેટ્સ ધાન: આ સેવા કેમ્પ પાંચ દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે. આ સેવા કેમ્પમાં રામ મંદિર અને ચંદ્રયાન સફર, આશાપુરા માતાજી મંદિર સાથે સેલ્ફી પોઈન્ટ, મિલેટ્સ ધાન જેમાં ચણા, સીંગદાણા, મગ, વટાણા, મકાઈ જેવા કઠોળ ધાન્યમાંથી ચાટ બનાવીને પદયાત્રીઓને તાકાત મળી રહે તે માટે આપવામાં આવી રહી છે.તો સાથે જ એનર્જી સોફ્ટ ડ્રિંક અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન સાથે સાથે યાત્રિકો માટે તેમના બેગ ઉપર અકસ્માત ને રોકવા રેડિયમ પટ્ટી અને પદયાત્રીઓ માટે મોબાઈલ ચાર્જરની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે.
લાંબુ અંતર કાપવા માટે પૌષ્ટિક આહાર: સરકાર દ્વારા પણ મીલેટ યોજના બહાર પાડવામાં આવી છે. ત્યારે દેશના ખૂણે ખૂણેથી પદયાત્રા કરીને આવતા પદયાત્રીઓ માતાના મઢ પહોંચવા માટે હજારો કિલોમીટરનું અંતર કાપતાં હોય છે. ત્યારે પદયાત્રીઓને શકિતની પણ જરૂરી રહેતી હોય છે.માટે પદયાત્રીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે શ્રી નારી શક્તિ વંદન પદયાત્રી સેવા કેમ્પમાં જુદાં જુદાં મિલેટ્સ રાખવામાં આવ્યા છે. જેમાં પદયાત્રીઓને જુદાં જુદાં કઠોળની ચાટ બનાવીને આપવામાં આવે છે. જેથી કરીને લાંબુ અંતર કાપવા માટે તાકાત મળી રહે.
નરેન્દ્ર મોદીની ફોટો ગેલેરીનું પણ આયોજન: આ ઉપરાંત આ કેમ્પમાં દેશના વડાપ્રધાન અને સવાયા કચ્છી તરીકે ઓળખાતા નરેન્દ્ર મોદીની કચ્છ પ્રવાસ દરમિયાનની સંસ્મરણોની પ્રદર્શની આકર્ષણનું કેન્દ્ર બની છે. નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન પદ પર હતા ત્યારે તેઓ કચ્છની 87 વખત મુલાકાત લઈ ચૂક્યા છે. કુલ અંદાજે 93 વખત તેઓ કચ્છની મુલાકાતે આવ્યા છે તે સમયના વિવિધ રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં તેઓ કચ્છ આવ્યા ત્યારે તસવીરોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.