- ભૂકંપમાં પેરાપ્લેજીયાનો ભોગ બનેલા દર્દીઓની કલેક્ટરને રજૂઆત
- 20 વર્ષમાં 105માંથી 36 પેરાપ્લેજિક દર્દીઓ મૃત્યુ પામ્યા
- માંગણી સ્વિકારવામાં નહીં આવે તો કલેકટર કચેરીમાં કરાશે ધરણા
કચ્છ: 26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં આવેલા ભૂકંપમાં 105 વ્યક્તિઓને કરોડરજ્જુમાં ગંભીર ઇજાઓ થતા તેઓ જીવનભર માટે પથારીવશ થઇ ગયા છે. હાલ આ તમામ પેરાપ્લેજીક દર્દીઓ પથારીવશ જીવન જીવી રહ્યા છે. 105 દર્દીઓમાંથી 20 વર્ષમાં 36 જેટલા પેરાપ્લેજીક દર્દીઓ મૃત્યુ પામ્યા હતા બાકીના દર્દીઓ હજુ સુધી પથારીવશ જીવન જીવી રહ્યા છે. આ પેરાપ્લેજીક દર્દીઓને સરકાર તરફથી 2500 રૂપિયાનું પેન્શન મળી રહ્યું છે. પરંતુ આ મોંઘવારીમાં 2500 રૂપિયાનું પેન્શન તેમને પૂરું પડતું નથી. દર્દીઓની દવા અને કુટુંબનું ભરણ પોષણ થતું નથી. જેથી તમામ પેરાપ્લેજીક દર્દીઓ નિઃસહાય અને લાચારીની લાગણી અનુભવી રહ્યા છે.
પેન્શન વધારીને ૧૦ હજાર સુધી કરવામાં આવે એવી માંગણી
કલેક્ટર કચેરી ખાતે શુક્રવારે પેરાપ્લેજીક દર્દીના પેન્શન 10 હજાર કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભૂકંપને 20 વર્ષ થવા આવ્યા, પરંતુ હજુ સુધી તેમની કોઈપણ જાતની તકેદારી રાખવામાં આવતી નથી. પેરાપ્લેજીક દર્દીના પેન્શનના ચેક પણ તેમના ખાતામાં જમા પણ થતા નથી અને કોઈ દર્દીને બહાર દવા લેવા જવું હોય ત્યારે પણ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવતી નથી. પેરાપ્લેજીક દર્દીઓ માટે દર વર્ષે અમદાવાદની ટીમ દ્વારા બિદડામાં કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ પણ છેલ્લા પાંચ વર્ષથી બંધ છે.
માંગણી નહીં સ્વીકારાય તો ધરણા કરવામાં આવશે
પેરાપ્લેજીક દર્દીઓ દ્વારા પોતાને મળતા પેન્શનમાં વધારો કરવા માટે અને વર્ષમાં બે વખત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે તેવી માંગણી સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને જો તેમની માંગણી સ્વિકારવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે ધરણાં કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.