કચ્છઃ જિલ્લાના વડામથક ભુજમાં આવેલી વિવિધ ઈમારતોમાં ફાયર સેફટીની સુવિધાના અભાવ મુદ્દે જવાબદાર તંત્રની કામગીરી માત્ર નોટીસ પૂરતી સિમિત રહી હોય તેવું જણાઈ રહ્યુ છે. એક વર્ષ પૂર્વે સુરતની ઘટનામાં 22 બાળકોના મોત બાદ જાગેલું ભુજ નગરપાલિકા અને ભુજ ફાયર સ્ટેશન હજૂ પણ અમદાવાદની ઘટના પછી પણ માત્ર નોટીસ આપવાની કામગીરી કરી રહ્યું છે. ભુજ નગરપાલિકા દ્વારા કુલ 200થી વધુ નોટીસ ફટકારવામાં આવી હતી. જેમાંથી 20 લોકોએ ફાયર સુવિધા ઉભી કરી છે. જ્યારે બાકીની ઈમારતોના જવાબદાર લોકો અમદાવાદ કે સુરત જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે.
ETV BHARATની ટીમે ભુજ નગરપાલિકાના ફાયર સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે વહીવટી ટીમ નોટીસ આપવાની કામગીરીમાં લાગેલી હોવાનું જાણવા મળ્યું હતું. સત્તાવાર વિગતો મુજબ નગરપાલિકાએ ગત વર્ષે મોટી દુકાનો, સિનેમાઘર અને મોટા મોલ મળીને કુલ 16 લોકોને નોટીસ આપી હતી. જયારે રેસ્ટોરેન્ટ ડાયનિગ હોલ સહિત કુલ 19 લોકને નોટીસ આપવામાં આવી હતી. હોટલ ગેસ્ટ હાઉસ મળીને કુલ 23 નોટીસ આપવામાં હતી. 47 નાની મોટી ખાનગી હોસ્પિટલને નોટીસ આપવામાં આવી હતી.
સરાકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રો સહિત કુલ 200 જેટલી નોટીસ ગત વર્ષેે આપવામાં આવી હતી. જેમાંથી 20 લોકોએ ફાયર સેફટીની સુવિધા ઉભી કરી હતી. જે બાદ તેમને ફાયર સેફટી માટે NOC મેળવ્યું નથી. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ દુર્ઘટના બાદ ભુજ નગરપાલિકાના ફાયર વિભાગે ગૂરૂવારે 5 ઈમારતોને નોટીસ ફટકારી સંતોષ માની લીધો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભુજમાં અનેક ઈમારતોમાં માત્ર ફાયર એક્સટિંગ્વિશર રાખી દેવામાં આવ્યા છે. જે 114 ઈમારતોની બાબત છે, આ ભુંકપ પહેલાની ઈમારતો છે. જેમાં ફાયર સુવિધા ઉભી કરવામાં અનેક અડચણો નડે તેમ છે. તો અનેક ઈમારતોમાં નવા નિયમો પછી વધુ એક માળ ઉભો કરવામાં આવ્યો છે. તેમાં પણ નિતી નિયમોનો ભંગ થઈ રહ્યો છે. ખાસ કરીને ફાયર સેફટી માટે કોઈ પગલા લેવામાં આવી નથી. તંત્ર આ બાબતે જવાબદાર લોકોને નોટીસ પાઠવી સંતોષ માની રહ્યા છે.