કચ્છ : કચ્છમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવા યુવા ટુરિઝમ ક્લબ બનાવવામાં આવશે. છેલ્લા બે દાયકામાં કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે. આ વિસ્તારના વધુ વિકાસ માટે કચ્છ યુનિવર્સિટીને ગુજરાત ટુરિઝમ તરફથી એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે. આ ગ્રાન્ટ હેઠળ યુનિવર્સિટી આગામી સમયમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે. જેનાથી કચ્છમાં પ્રવાસનને પ્રોત્સાહન મળશે તેમજ આગામી સમયમાં કચ્છમાં નવા ટુરિસ્ટ ગાઈડ પણ બનશે.
નવતર પહેલ : ટુરિઝમ ઈન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે તો કોઈપણ દેશની જે ઇકોનોમી છે, તેમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ખૂબ મહત્વનો ફાળો ભજવે છે. આપણે જાણીએ છીએ કે છેલ્લા ઘણા વર્ષથી ગુજરાતની અંદર ટુરિઝમ ક્ષેત્રે બહુ સારું કામ થયું છે. ઘણી બધી ટુરિસ્ટ સાઈટ ડેવલપ થઈ છે. જેમાં કચ્છની અંદર ધોળાવીરા અને ધોરડો સફેદ રણનો પણ વિકાસ ખૂબ થયો છે, ત્યારે કચ્છ યુનિવર્સિટી અને ગુજરાત ટુરિઝમ દ્વારા કચ્છમાં પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા નવતર પહેલ કરવામાં આવી રહી છે. જેના નોડલ ઓફિસર તરીકે કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ગૌરવ ચૌહાણને પસંદ કરવામાં આવ્યા છે.
કચ્છ હવે પ્રવાસનનું હબ બનતું જાય છે. કચ્છમાં હાલમાં અનેક પ્રવાસન ક્ષેત્ર આવેલા છે. કચ્છમાં ટુરિઝમના અનેક પ્રકારો પણ છે. જેમ કે કલ્ચરલ ટુરિઝમ જેમાં જુદાં જુદાં કલ્ચર અંગે અભ્યાસ કરવો, ઇકો ટુરિઝમ, જીઓ ટુરિઝમ, હેરિટેજ ટુરિઝમમાં જુદાં જુદાં હેરિટેજ સાઇટ અને આર્કીઓલોજીકલ અભ્યાસ કરવો, ઉપરાંત બિઝનેસ ટુરિઝમ પણ કચ્છમાં ચાલી રહ્યું છે. લોકો સમજી રહ્યા છે કે કચ્છમાં કયો બિઝનેસ ચાલી રહ્યો છે. સાથે જ રિલેક્સ અને રિફ્રેશમેન્ટ માટેના ટુરિઝમ જેમ કે કચ્છના માંડવીના બાડા ખાતે આવેલ વિપશ્યના ધ્યાન કેન્દ્ર છે. - ગૌરવ ચૌહાણ (નોડલ ઓફિસર)
3000થી વધુ લોકોને ટુરિઝમ ક્ષેત્રે અપાશે ટ્રેનિંગ : કચ્છમાં પ્રવાસન ક્ષેત્રની સમજ વધુમાં વધુ ફેલાય અને દુનિયાભરમાંથી પ્રવાસીઓ કચ્છમાં આવે તો અહીઁ લોકોને રોજગાર મળે, કચ્છની ઇકોનોમિક ગ્રોથ થાય તે માટે ગુજરાત સરકારના ગુજરાત ટુરિઝમ દ્વારા કચ્છ યુનિવર્સિટીને 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે. આ ગ્રાન્ટના અંતર્ગત આવનારા 3થી 6 મહિનાની અંદર 3000થી વધુ કચ્છી લોકોને તેનો લાભ આપવા આવે. આ ગ્રાન્ટ હેઠળ ઘણી બધા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે.
નવા સરકાર માન્ય ટુરિસ્ટ ગાઇડ : કચ્છ યુનિવર્સિટીમાં ટુરિસ્ટ ગાઇડનો કોર્સ કરાવવામાં આવશે. સરકાર દ્વારા માન્ય ટુરિસ્ટ ગાઇડ હોય છે તે કચ્છની અંદર આવેલ વિવિધ પ્રવાસન સ્થળોની સરખામણીએ જેટલા હોવા જોઈએ તે કરતાં ખૂબ ઓછા છે, ત્યારે કચ્છના યુવાનોને ટુરિસ્ટ ગાઇડની ટ્રેનિંગ આપવામાં આવશે જેની અંદર વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે તેમજ ટુરિસ્ટ એજન્સીના ઓફિસર પણ ભાગ લઈ શકશે. ઉપરાંત કચ્છમાં અનેક વર્ષોથી ટુરિસ્ટ ગાઈડ તરીકે બહોળો અનુભવ ધરાવે રહ્યા છે અને કામ કરી રહ્યા છે તેવા લોકોને પણ ટ્રેનિંગ આપવામાં આવશે અને તેમને પણ સરકાર માન્ય ટુરિસ્ટ ગાઇડનો સ્ટેમ્પ મળી જાય તો લોકોને વધુ તક મળશે.
પ્રવાસીઓ સાથેના વર્તનની તાલીમ : ઉપરાંત આ ગ્રાન્ટ હેઠળ કરવામાં આવનાર પ્રવૃતિઓમાં હોટલમાં જઈને કંઈ રીતે વાતચીત કરવી, કંઈ રીતે પ્રવાસીઓ સાથે વર્તવું, કોઈપણ મહેમાન આવે તો તે મહેમાન બીજી વાર અહીઁ આવવા માટે બીજી વાર ક્યારે પસંદ કરશે, જ્યારે બસ સ્ટેશન, એરપોર્ટ કે રેલ્વે સ્ટેશન પર પ્રવાસી ઉતરે ત્યારથી કરીને પ્રવાસન સ્થળ સુધી પ્રવાસી સાથે સારો વ્યવહાર થાય તો તે પ્રવાસી અન્ય 4 પ્રવાસીઓને કચ્છની મુલાકાત લેવા માટે કહેશે, તો તેવી ભાવના ઊભી થાય તે માટે જુદી જુદી પ્રકારની પ્રવૃત્તિઓ અહીં કરાવવામાં આવશે.
યુવા ટુરિઝમ ક્લબનું થશે આયોજન : કચ્છ યુનિવર્સિટી દ્વારા યુવા ટુરિઝમ ક્લબનું પણ આયોજન કરવામાં આવશે. જેની અંદર કચ્છ યુનિવર્સિટીને સંલગ્ન ખાનગી અને સરકારી તમામ કોલેજોમાંથી એક ફેકલ્ટી કોર્ડીનેટર નીમવામાં આવશે. દરેક કોલેજના ફેકલ્ટી કોર્ડીનેટરથી મળીને દરેક કોલેજમાં 20થી 25 વિદ્યાર્થીઓની ટીમ બનાવવામાં આવશે અને પ્રવાસન ક્ષેત્રે જાગૃતતા લાવવા માટે તાલીમ આપવામાં આવશે.