કચ્છ : જિલ્લાની સૌથી મોટી ડેરી સરહદ ડેરી છે. જેની સાથે કચ્છની 880 દૂધ ઉત્પાદક મંડળીના 55,000 જેટલા પશુપાલકો જોડાયેલા છે. સરહદ ડેરીની આજે 14 મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ઉત્પાદકો તરફ વળવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
મધ ક્રાંતિની શરૂઆત : સરહદ ડેરી દ્વારા આગામી સમયમાં શ્વેત ક્રાંતિની જેમ મધ ક્રાંતિ લાવવામાં આવશે અને અમૂલ મધનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ટાટા અને આશીર્વાદ કંપનીની જેમ અમૂલ પણ પૂરા ભારતમાં અમૂલ સોલ્ટ બહાર પાડશે. આ સાથે જ આગામી જાન્યુઆરીમાં 50 હજાર લિટરની દૈનિક કેપેસીટી વાળા આઈસ્ક્રીમના પ્લાન્ટને પણ કાર્યરત કરવામાં આવશે.
સરહદ ડેરી અંતર્ગત 880 દૂધ મંડળીઓ કાર્યરત છે. જે પૈકી 79 મહિલા મંડળીઓ છે. જેમાં દૂધ સંપાદનની વાત કરવામાં આવે તો સંઘ સયોજિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ તેમજ મંડળ મારફતે દૈનિક સરેરાશ 3.84 લાખ લીટર દૂધ સંપાદિત કરેલ છે. -- વલમજીભાઈ હુંબલ (ચેરમેન, સરહદ ડેરી-કચ્છ)
સરહદ લક્ષ્મી સન્માન : સરહદ ડેરીની 14 મી સાધારણ સભામાં સૌથી વધુ દૂધ ભરાવતી મહિલાઓ અને મંડળીઓનું સરહદ લક્ષ્મીના પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું. સૌથી વધુ દૂધ ભરાવતી ત્રણ મહિલાઓને સન્માન તેમજ રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં દૈનિક એવરેજ 170 થી 260 લીટર દૂધ ભરાવતી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 880 મંડળી પૈકી સૌથી વધુ દૂધ ભરાવતી 3 મંડળીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં દૈનિક એવરેજ 3460- 6065 લીટર દૂધ ભરાવતી મંડળીઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
વાર્ષિક ટર્નઓવર : સરહદ ડેરીના ચેરમેન અને અમૂલના વાઈસ ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, દૈનિક મહતમ 4.76 લાખ લીટર દૂધનું કલેક્શન કરવામાં આવ્યું છે. તો વાર્ષિક ટર્નઓવર 914.26 કરોડ જેટલું રહેતું હોય છે. જે આગામી વર્ષમાં 1100 કરોડ સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવશે. વાર્ષિક નફો પણ 2.48 કરોડ જેટલો થયો હોવાનું જણાવ્યું હતું.