કચ્છ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યપ્રણાલી અનુસાર પ્રતિવર્ષ દિવાળી પૂર્વે અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક દેશના કોઇપણ સ્થાનમાં યોજાતી હોય છે. જેના ભાગરૂપે આ વર્ષે ભુજ ખાતે 5મી નવેમ્બરથી 7મી નવેમ્બર સુધી આ બેઠક યોજાશે. સંઘના વડા મોહન ભાગવત ટ્રેન મારફતે આજે સવારે ભુજ પહોંચ્યા હતાં અને 8મી નવેમ્બર સુધી તેઓ કચ્છમાં રહેશે.
આરએસએસના અગ્રણી નેતાઓની હાજરી : સંઘના વડા આજે ટ્રેન મારફતે પહોંચ્યા કચ્છ ભુજના કચ્છી લેવા પટેલ સમાજ સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે ત્રિદિવસીય બેઠક્માં દેશભરમાંથી 400 જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડાની સાથે સહકાર્યવાહ દતાત્રેયજી હોસબલે ઉપરાંત સંઘના પાંચ સહસરકાર્યવાહ, અખિલ ભારતીય કાર્યકારણીના તમામ વિભાગના મુખ્ય કાર્યકર્તા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.
આઠ દિવસ કચ્છમાં રોકાશે : 400 જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિતિમાંઅખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક યોજાવાની છે જેને લઇને પણ વિવિધ તૈયારીઓ થઇ રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો. મોહન ભાગવતની આ મુલાકાતને લઇને સંઘના કાર્યકરોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ડો. મોહન ભાગવત તેમના આઠ દિવસના રોકાણ દરમ્યાન વિવિધ સ્થળની મુલાકાત લેશે અને કાર્યક્રમોમાં હાજરી આપશે તેવું સૂત્રો મારફતે જાણવા મળ્યું છે.
સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ : જો કે સમગ્ર વિગતો હજી સુધી મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી નથી. દેશભરમાંથી અહીં આવનારા કાર્યકર્તાઓને લઇને પણ તૈયારીનો ધમધમાટ પણ સ્થાનિક કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે. અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક ભુજમાં યોજાતી હોવાથી સંઘના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.