કચ્છઃ લખપત તાલુકાના દયાપર ગામના માત્ર 17 વર્ષના યુવક રાજ લીંબાણીઓ માત્ર કચ્છ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યુ છે. રાજ લીંબાણી એક યુવા અને પ્રતિભાશાળી ક્રિકેટર છે. રાજનો સમાવેશ આગામી એશિયા કપ 2023ની ભારતની અન્ડર 19 ટીમમાં કરવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટ દુબઈમાં 8થી 17 ડિસેમ્બર દરમિયાન યોજાવાની છે.
પિતાના મોટાભાઈનો સિંહફાળોઃ રાજ લીંબાણીને સામાન્ય યુવકમાંથી પ્રતિભાશાળી ઓલરાઉન્ડર ક્રિકેટર બનાવવામાં તેના પિતાના મોટાભાઈ મણિલાલ પટેલનો સિંહફાળો છે. રાજનો જન્મ 2જી ફેબ્રુઆરી, 2005ના રોજ લખપત તાલુકાના દયાપર ખાતે વસંત પટેલ અને સાવિત્રી પટેલના ઘરે થયો હતો. રાજના પિતા ખેતીકામ સાથે સંકળાયેલા છે. રાજ અભ્યાસમાં કુશળ હોવાથી તેને વર્માનગરની ઈંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. જો કે રાજને નાનપણથી ક્રિકેટનો બહુ શોખ હતો. તેથી તેના પિતાના મોટાભાઈ મણિલાલ પટેલે રાજને ક્રિકેટર બનાવવાનું બીડું ઝડપ્યું. મણિલાલ પાન્ધ્રો વિદ્યુત મથકમાં નોકરી કરતા હતા. તેમણે વડોદરામાં પોતાની બદલી કરાવી લીધી. તેટલું જ નહીં તેમણે રાજને 7મા ધોરણના અભ્યાસ બાદ વડોદરા બોલાવી લીધો હતો. અહીં વડોદરામાં રાજને સઘન ક્રિકેટ પ્રશિક્ષણ આપવામાં આવ્યું. રાજે બરોડા ક્રિકેટ એસોસિયેશનના મોતીબાગ કોચિંગ સેન્ટરમાં તાલીમ મેળવી હતી. અત્યારે તે બરોડા ક્રિકેટ એસોસિયેશન તરફથી રમી રહ્યો છે. રાજે બરોડામાં વિદ્યુતનગર વિદ્યાલયમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે.
ઓલરાઉન્ડ રાજઃ રાજ એક રાઈટ હેન્ડ ફાસ્ટ બોલર અને લેફ્ટ હેન્ડ બેટ્સમેન છે. આમ, રાજ એક ઓલરાઉન્ડર પ્લેયર છે. રાજ 130થી 140 કિમીની ઝડપે બોલિંગ કરી શકે છે. તે લેફ્ટ હેન્ડ બેટ્સમેન હોવાથી તેની પસંદગીની તકો વધી જાય છે. રાજ એક આક્રામક બેટ્સમેનની ભૂમિકા પણ સુપેરે ભજવી શકે છે. બીસીસીઆઈની ગૌહાટીમાં 3થી 9 નવેમ્બર દરમિયાન રમાયેલ ચેલેન્જર ટ્રોફીમાં ભારતીય ટીમ તરફથી શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ત્યારબાદ વિજયવાડામાં 13થી 27 નવેમ્બર દરમિયાન ભારત, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલ અન્ડર 19ની ટીમોમાં પણ તેણે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. જેથી આગામી મહિને દુબઈમાં યોજાનારા એશિયા કપ 2023માં ભારતની અન્ડર 19 ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી 2024માં રાજ 18 વર્ષનો થશે. તે પુખ્ત બને તે પહેલા જ તેણે આ સિદ્ધિ મેળવીને કચ્છ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. રાજ ભારતીય બોલર જશપ્રીત બુમરાહનો ફેન છે તે ભવિષ્યમાં બુમરાહ જેવો ફાસ્ટ બોલર બનવા ઈચ્છે છે. પ્લેઈંગ ઈલેવનમાં ભારત દેશ તરફથી રમવાનું રાજનું સપનું છે.
રાજની પસંદગી એશિયા કપ 2023માં ભારતની અન્ડર 19 ટીમમાં થઈ છે. રાજે પહેલું સોપાન સર કર્યુ છે. રાજે પોતાના ગામ ઉપરાંત સમગ્ર કચ્છનું ગૌરવ વધાર્યુ છે...મણિલાલ પટેલ(રાજના પિતાના મોટાભાઈ, વડોદરા)