કચ્છ : કલા કારીગરીનું હબ તરીકે ઓળખાતા કચ્છમાં અનેક પ્રકારની કળા વિકસી છે અને કચ્છી કારીગરો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખ્યાતિ મેળવી ચૂક્યા છે. કળા કારીગર તરીકે નિપુણ ન હોવા છતાં પણ મહિલાઓ પોતાના ઘરમાં જુદી જુદી રીતે સુશોભન કરતા હોય છે. કચ્છના એવા જ એક દીપિકા હિરાણીએ નવા પ્રયોગ તરીકે ગાયના ગોબરમાંથી ગોબર કળા કરીને પોતાના ઘરમાં આકર્ષિત સુશોભન કર્યું છે.
ગોબરમાંથી સુશોભનની કલા : કચ્છની કળાઓમાં માટીકામની કલા વિવિધ ચિત્રો બનાવી દિવાલોના સુશોભન માટે પ્રખ્યાત છે. કચ્છના નાની નાગલપરની દીકરી દીપિકા હિરાણીએ નવા પ્રયોગ તરીકે કચ્છની દેશી કાંકરેજ ગાયના ગોબરમાં અમુક બિન રાસાયણિક પદાર્થો ભેળવીને ઘરની દિવાલમાં વૃક્ષની વેલ બનાવીને સુશોભિત કરેલ છે. ગોબરમાંથી વૃક્ષના આકારમાં લીંપણ કરી તેને અન્ય ગોબરના નાના નાના સુશોભન થકી ઘરના લિવિંગ રૂમમાં સુંદર સુશોભન કર્યું છે.
આ કામ કરવાની પ્રેરણા મારા પિતા તરફથી મળી છે. પિતાજીની સાથે મળીને ગોબરમાંથી જુદી જુદી વસ્તુ બનાવવામાં આવી રહી છે. ત્યારે ગોબરમાંથી દીવાલ પર સુશોભન કરવાનો વિચાર આવ્યો જેથી કરીને ગોબરના માધ્યમથી ઘરમાં સાત્વિક ઊર્જા આવે. -- દીપિકા હિરાણી (ગોબરથી સુશોભન કરનાર કલાકાર)
ગાયના ગોબરનું મહત્વ : ભારતીય સંસ્કૃતિમાં ગૌ માતાને પૂજનીય માનવામાં આવે છે. આજકાલ ગાયના ગોબર અને ગૌ મૂત્રમાંથી અનેક પ્રોડક્ટ્સ બની રહી છે અને ગ્લોબલ સ્તરે પણ તેનું ચલણ વધી રહ્યું છે. શાસ્ત્રોમાં પવિત્રતા માટે જાણીતું દેશી ગાયનું ગોબર હકારાત્મક ઉર્જાની ઓરા વધારતું હોવાના પ્રમાણ છે. આ ગોબરમાંથી બનતી સુશોભનની વસ્તુઓ પણ આજે ખૂબ જ પ્રચલિત થઈ રહી છે અને આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
ગોબરકલાની ખાસીયત : દીપિકા હિરાણીએ જણાવ્યું હતું કે, આ વૃક્ષનું આર્ટ પીસ દેશી ગાયના ગોબરમાંથી બનાવવામાં આવ્યું છે. આ કામ કરવાની પ્રેરણા મારા પિતા તરફથી મળી છે. પિતાજીની સાથે મળીને ગોબરમાંથી જુદી જુદી વસ્તુ બનાવવામાં આવી રહી છે. ત્યારે ગોબરમાંથી દીવાલ પર સુશોભન કરવાનો વિચાર આવ્યો જેથી કરીને ગોબરના માધ્યમથી ઘરમાં સાત્વિક ઉર્જા આવે. ગોબરની સાથે સાથે પેઈન્ટિંગ અને મડવર્ક કરીને ઘરમાં લીંપણ કરી તથા તેની સાથે મિરર વર્ક કરીને ખૂબ જ સારી રીતે ઘરને સુશોભિત કરી શકાય છે. થોડું મડવર્ક અને મિરર વર્ક વિશે થોડું ઘણું જાણવા ગૃહિણી બહેનો ગોબરની સાથે અવનવા સુશોભનની વસ્તુ બનાવે અને જો પહેલ કરે તો આવકના માધ્યમ સાથે તેઓ આત્મનિર્ભર પણ બની શકે છે. ગોબરનું મહત્વ વધવાથી દૂધ દોહીને રસ્તે તરછોડી દેવાતી ગાયને પણ ફરીથી યોગ્ય સ્થાન મળી શકે છે.
ગાયની ઉપયોગીતા : ગાયનું મહત્વ સમજાવતા મેઘજીભાઈ હિરાણીએ જણાવ્યું હતું કે, પોતાની દીકરીએ લોકોને ગોબરમાંથી સુશોભન કરવા માટે એક નવો જ વિકલ્પ આપ્યો છે. હાલમાં બજારમાં કેમિકલયુક્ત અનેક પ્રોડકટ મળી રહી છે. તો ઘરમાં નેગેટિવ ઊર્જા પણ વધે છે. ત્યારે આ ગોબરમાંથી બનાવેલ પ્રોડક્ટના કારણે તેમજ આવી રીતે સુશોભન કરવામાં આવે તો સાત્વિક ઊર્જા મળે છે અને સાથે જ ઘરમાં શાંતિભર્યું વાતાવરણ પણ ઉભુ થાય છે. બચપણથી જ દીપિકાને ગાયો પ્રત્યે લગાવ હતો અને સમજણી થતાં તેને ગાયનું મહત્વ સમજાયું અને આધુનિક યુગમાં કઈ રીતે ગોબર લોકોને ઉપયોગી થઇ શકે છે તે માટે વિચાર્યું અને પછી તેને ગોબર દ્વારા સુશોભન શરૂ કર્યું છે. અન્ય મહિલાઓ પણ જો રીતે કરે તો તેઓ આત્મનિર્ભર પણ બની શકે છે.