કચ્છ: આરોગ્ય તંત્ર દ્વારા વધુ 20 સેમ્પલ કોરોના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં છે. જેમાં અંજારના એક શંકાસ્પદ દર્દી ઉપરાંત ભૂજ સિવિલ હોસ્પિટલના એક કર્મચારીનું સેમ્પલ લેવામાં આવ્યાં છે. તેમજ કોટડા મઢ ગામના 12 સેમ્પલ સહિત ફિલ્ડમાં કામગીરી કરતા 14 લોકોના સેમ્પલ લેવાયા છે. જ્યારે બે સેમ્પલ જૂના પોઝિટિવ દર્દીઓના છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે, બુધવારે સવારે 20 સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા છે. મંગળવારે તાલુકા મથકોની સેમ્પલ લેવાની ટીમની તાલીમ સહિનતા યોજવામાં આવી હતી. જેથી મંગળવારે સેમ્પલ લેવામાં મોડું થયું હતું. જેથી બુધવારે સવારે સેમ્પલ રાજકોટ મોકલવામાં આવ્યાં છે. મોડી રાત સુધીમાં તેના રિપોર્ટ આવી જશે.
દરમિયાન તંત્ર દ્વારા જિલ્લામાં સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. મંગળવારે સાંજે ચાર વાગ્યાથી બુધલારે સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 2366 વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 65995 લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. ઉપરાંત છેલ્લા 24 કલાક દરમ્યાન 41 જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યાં છે. કુલ 1524માંથી 1483 વ્યક્તિઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે. કુલ 8115 વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન કરાયા હતા. જેમાંથી 6632 વ્યકિતઓએ 14 દિવસનો કવોરોન્ટાઇન પીરીયડ પૂર્ણ કરેલ છે. જ્યારે સરકારી કવોરન્ટાઈનમાં 164 લોકોને કવોરન્ટાઈનમાં રાખવામાં આવ્યાં હતાં. જેમાંથી 116 વ્યક્તિઓને કવોરોન્ટાઇનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં 48 વ્યકિતઓ કવોરોન્ટાઇનમાં છે.
પોલીસે કોરોના ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન 2020 હેઠળ ધારા 188ના ભંગ બદલ મંગળવાર સુધી કુલ 259 વ્યક્તિઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી છે અને રૂ.52,300 જેટલી રકમનો દંડ કરવામાં આવ્યો છે. જાહેરનામાના ભંગ બદલ 249 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.