પાંચ વર્ષ પહેલા 7 જુલાઈ 2014ના રોજ હત્યાનો આ ચકચારી કિસ્સો બન્યો હતો. મૃતક પ્રકાશબા પરમાર ફરિયાદી કિશોરસિંહના ભાઈ હરશ્યામસિંહ સાથે મુંદરાના કામળીયા શેરીમાં રહેતા હતા. પ્રકાશબાએ મુંદરાના તેરછી ચકલામાં રહેતા બિપીન મોહન રોટીવાલા (ચૌહાણ)ની પત્ની અલ્પાને 2011માં 20 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. અલ્પાના જેઠ જગુભાઈના પગના ઓપરેશન માટે નાણાંની જરૂર ઉભી થતાં અલ્પાએ પ્રકાશબા પાસે ઉછીના નાણાં માગ્યા હતા. આ નાણાંની ઉઘરાણી માટે 5મી જૂલાઈ 2014નાં રોજ બપોરે સાડા 3 વાગ્યાના અરસામાં પ્રકાશબા તેમની પુત્રવધૂ નીલમબાને ‘અલ્પાના ઘરે રૂપિયાની ઉઘરાણી માટે જાઉં છું’ તેમ કહી નીકળ્યા હતા. ત્યારબાદ સાંજે સાડા સાત સુધી તે ઘરે પાછાં ફર્યા નહોતા. જેથી નીલમબાએ આ બાબત અંગે વડોદરામાં કામસર ગયેલાં પતિ હરશ્યામસિંહને ફોન કરી જાણ કરી હતી. હરશ્યામસિંહે તુરંત આ અંગે ભાઈ કિશોરસિંહને જાણ કરતાં કિશોરસિંહ હરશ્યામસિંહના ઘરે દોડી ગયા હતા. 7મી જૂલાઈ 2014નાં રોજ મુન્દ્રા પોલીસ મથકે માતાની ગુમ નોંધ લખાવી હતી. જેમાં શકમંદ તરીકે બિપીન અને અલ્પાના નામ લખાવ્યાં હતા.
દંપતિએ 63 વર્ષિય પ્રકાશબાની હત્યા કરી સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેઈન, સોનાની વીંટી, સોનાની બે બંગડી અને કાનમાં પહેરેલાં સોનાની બુટી કાઢી લીધી હતી. અલ્પાએ આ દાગીના પોતાના હોવાનું જણાવી મુંદરાની IIFL ગોલ્ડ ફાઈનાન્સમાં ગીરવે મુકી 67 હજાર રૂપિયાની લોન મેળવી હતી. પોલીસે ઝીણવટભરી તપાસ કરતાં ઘરની ગટરની ભોખાળમાં દંપતિએ છૂપાવેલાં પ્રકાશબાના ચશ્મા, સાડી, ચપ્પલ વગેરે મળી આવ્યા હતા. બનાવ સંદર્ભે જે-તે સમયે પોલીસે દંપતિ પાસે હત્યાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. આ મર્ડર કેસમાં કોઈ સાક્ષી નહોતું. પણ નીકુલ ગોસ્વામી નામના એક યુવકની જુબાની મહત્વપૂર્ણ બની રહી હતી. નીકુલ પણ તેરછી ચકલામાં રહેતો હતો અને તેણે બનાવની બપોરે પ્રકાશબાને આરોપી યુગલના ઘરમાં પ્રવેશતાં જોયા હતા.
બનાવ સંદર્ભે પોલીસે આરોપી દંપતિની ધરપકડ કરી તેમની વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 302(હત્યા), 397 (હુમલા-ઈજા સાથે લૂંટ), 420 (છેતરપિંડી) 201 (પુરાવાનો નાશ કરવો-ખોટી માહિતી આપવી) 114 (ગુનાના સમયે દુષ્પ્રેરકની હાજરી) હેઠળ ગુનો નોંધ્યો હતો. આજે આ ચકચારી કેસમાં જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ દંપતિના ગુનાને જઘન્ય (અત્યંત ખરાબ, નીચ, કનિષ્ઠ)ગણી તેમને ફાંસી આપવા રજૂઆત કરી હતી. ત્રીજા અધિક સેશન્સ જજ મમતાબેન એમ. પટેલે IPC 302 હેઠળ બેઉને જનમટીમની સજા ઉપરાંત 5-5 હજારનો દંડ, IPC 394 હેઠળ 5-5 વર્ષની કેદ અને 5-5 હજાર દંડ તેમજ IPC 420 હેઠળ 3-3 વર્ષની કેદ અને બે-બે હજાર દંડ એમ કુલ 24 હજારનો દંડ ફટકાર્યો છે.