કચ્છ: અબડાસામાં સત્તા પક્ષના લોકો ચુંટાયા બાદ લોકોની વચ્ચે રહી તેમના પ્રશ્નો અને સમસ્યાઓ ઉકોલવામાં નિષ્ફળ રહેતા મતદાન બહિષ્કારના એલાન તાલુકાના અનેક ગામોમાં થઇ રહ્યા છે. એક માસ અગાઉ સુજાપર અને નાંગીયા ગ્રામ પંચાયત દ્વારા તેમના વિસ્તારના ગામો ત્રંબૌ, સુજાપર, પિથોરાનગરના રસ્તાનો પ્રશ્ન અનેક વરસો જૂની રજુઆત છતાં ઉકેલવામાં ન આવતા 30 થી 40 ગામોને પડતી તકલીફને લઇ પેટા ચુંટણીના મતદાન બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ કોઠારા નજીકના આમરવાંઢ ગામના 1700 જેટલા મતદારો દ્વારા તેમના ગામને રેવેન્યુ વિલેજ તરીકે માન્યતા ન મળી હોવાથી સરકારી લાભોથી વંચિત રહેવું પડે છે.
આ અંગે વર્ષોથી રજૂઆત છતા તંત્ર કોઈ પગલાં લેતું ન હોવાથી ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે. તે બાદ તાલુકાના મુખ્ય મથક નલિયાના મોટાભર વિસ્તારના ગરબી મંડળ દ્વારા સમગ્ર વિસ્તારના લોકો સાથે રહી ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.
આ અંગે નલીયાની મોટાભર ગરબી મંડળના પ્રમુખ જેન્તીભાઇ દરજી માસ્તરને જણાવ્યું કે, તેમણે મોટાભર ફળિયામાં અમુક વિસ્તાર ગટર યોજનાથી વંચિત રહી ગયો છે, જેનો સમાવેશ કરવા ગ્રામ પંચાયત અને અન્ય તંત્રો સમક્ષ અનેક રજુઆતો કરવામાં આવી છતાં પણ પ્રશ્ન હલ ન થતાં ગરબી મંડળની મિટીંગમાં ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તેમજ હાલ ચર્ચા કરી અંતિમ નિર્ણય કરી એલાન જાહેર કરાશે તેવું જણાવ્યું હતું
આમ અબડાસાના સત્તાપક્ષના લોકો ચૂંટાયા બાદ તેમના મત વિસ્તારની સામાન્ય જનતાના પ્રશ્નો ઉકેલવાના બદલે મોબાઈલ નંબર બદલી કાળા કાચવાળી ગાડીઓમાં ફરતા થઇ જતા કંટાળેલી પ્રજાને લોકશાહીની તેમની પ્રથમ પવિત્ર ફરજ એવા મતદાનનો બહિષ્કાર કરી તેમના પ્રશ્નો પ્રત્યે સરકારી તંત્રને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવી પડે તે લોકશાહી માટે સારી બાબત નથી.